ભારતીય રાજકારણમાં પ્રભાવ છોડી જનારી મહિલાઓમાં સૌથી પહેલું નામ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનું આવે. દેશના પહેલા અને એક માત્ર મહિલા વડાં પ્રધાનને લીધેલા બાહોશ અને કડક નિર્ણયો માટે તેમને આર્યન લેડીનું બિરૂદ મળ્યું હતું. હવે આ બિરૂદ પોતાના નામ આગળ લગાડવાનું આજથી બીજાં એક મહિલા રાજકારણીએ કર્યું છે.
તેમણે પણ દેશ અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના રાજકારણમાં મહત્વનો રોલ અદા કર્યો છે અને આજે પણ સારું એવું વર્ચસ્વ ધરાવે છે. તેઓ અનુસૂચિત જનજાતીમાંથી આવતા દેશના પહેલા મહિલા મુખ્ય પ્રધાન બન્યાં છે. વાત કરી રહ્યા છીએ બહુજન સમાજવાદી પક્ષ (BSP)ના અધ્યક્ષા માયાવતીની. 15 જાન્યુઆરી, 1956ના રોજ દિલ્હી ખાતે જન્મેલાં માયાવતી (Mayavati) આજે પોતાનો 68મો જન્મદિવસ મનાવી રહ્યા છે. 1977માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ તેઓ ચાર વાર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યાં છે.
ખાસ કરીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રતિનિધિત્વ કરતો તેમનો પક્ષ લોકસભાની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન સાથે જોડાશે કે નહીં તેની જાહેરાત આજે થવાની સંભાવનાઓ વચ્ચે ઉત્તર પ્રદેશમાં લાગેલા તેમના પૉસ્ટરોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પૉસ્ટરો માટે જાણીતા માયાવતીના અગાઉના પોસ્ટરમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેવા શબ્દોનો ઉપયોગ થયો હતો ત્યારે આજે તેમનાં નામની આગળ આર્યન લેડી એટલે કે લોખંડી મહિલા એવા શબ્દનો ઉપયોગ થયો છે જે ક્યાંક તેઓ ગઠબંધનમાં નથી જોડાવાના તેવો સંદેશ તો નથી આપી રહ્યા ને તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેમનો જન્મદિવસ લોક કલ્યાણ દિવસ તરીકે ઓળખાય છે.
આ ઉપરાંત આજે તેમનાં પુસ્તક “મેરે સંઘર્ષમય જીવન અને બીએસપી આંદોલન કા સફરનામા ભાગ-19 ની હિન્દી અને અંગ્રેજી આવૃત્તિનું પણ વિમોચન કરશે. આ ઉપરાંત, તે પક્ષની મોબાઈલ એપ અને નવી વેબસાઈટ પણ લોન્ચ કરી શકે છે. કોંગ્રેસના નેતાઓ પણ બસપા સુપ્રીમોને તેમના જન્મદિવસ પર અભિનંદન આપવા જઈ શકે છે, જો કે કોંગ્રેસ દ્વારા હજુ સુધી આ અંગેની સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. આ દરમિયાન બીએસપી સુપ્રીમો લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોની પસંદગીને લઈને મહત્વની જાહેરાત પણ કરી શકે છે.