નેશનલ

વર્લ્ડ કપમાં મેક્સવેલની વિક્રમી ‘ડબલ સેન્ચ્યુરી’ સાથે ઑસ્ટ્રેલિયાનો જ્વલંત વિજય

મુંબઇ: વન-ડે વર્લ્ડકપ ૨૦૨૩ની ૩૯મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગ્લેન મેક્સવેલે અણનમ બેવડી સદી ફટકારી હારેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૨૯૧ રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે ૨૯૩ રન કરી મેચ જીતી લીધી હતી. ગ્લેન મેક્સવેલને શાનદાર બેવડી સદી બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ રહ્યો હતો. જેણે ઈજાગ્રસ્ત હોવા છતાં શાનદાર બેવડી સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. ૨૯૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી કાંગારૂ ટીમ એક સમયે ૯૧ રનમાં પોતાની ૭ વિકેટ ગુમાવી ચૂકી હતી.

અહીંથી અફઘાનિસ્તાનની જીત ઘણી સરળ લાગી રહી હતી. આ સમય દરમિયાન મેક્સવેલને બે જીવનદાન મળ્યા હતા. તેણે તેનો ફાયદો ઉઠાવ્યો અને તોફાની ઇનિંગ્સ રમીને અફઘાનિસ્તાનના
જડબામાંથી જીત છીનવી લીધી હતી. મેક્સવેલે કેપ્ટન પેટ કમિન્સ સાથે મળીને ૮મી વિકેટ માટે ૧૭૦ બોલમાં ૨૦૨ રનની અણનમ ભાગીદારી કરી હતી.

૨૯૨ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે બીજી ઓવરમાં ટ્રેવિસ હેડ (૦)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી મિશેલ માર્શે ૨૪ રન કરી આઉટ થયો હતો. બાદમાં ડેવિડ વોર્નર ૧૮ રન કરી ઉમરઝઇનો શિકાર બન્યો હતો.

અગાઉ અફઘાનિસ્તાને ઑસ્ટ્રેલિયાને ૨૯૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરીને અફઘાનિસ્તાને ૫૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૯૧ રન કર્યા હતા. ઈબ્રાહિમ ઝદરાને ૧૪૩ બોલમાં ૧૨૯ રન અને રાશિદ ખાને ૧૮ બોલમાં ૩૫ રનની અણનમ ઈનિંગ રમી હતી. અંતમાં ઈબ્રાહિમ અને રાશિદ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૨૮ બોલમાં ૫૮ રનની અણનમ ભાગીદારી થઈ હતી. અફઘાનિસ્તાને છેલ્લી પાંચ ઓવરમાં ૬૪ રન કર્યા હતા અને માત્ર એક વિકેટ ગુમાવી હતી.

સારી શરૂઆત મેળવ્યા બાદ અફઘાન ટીમે આઠમી ઓવરમાં રહેમાનુલ્લાહ ગુરબાઝના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. બીજી વિકેટ માટે ઈબ્રાહિમ ઝદરાન અને રહેમત શાહે ૮૩ રનની ભાગીદારી કરી હતી. રહેમતે ૩૦ રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ૨૬ રન કર્યા હતા.

આ પછી ચોથી વિકેટ માટે અઝમતુલ્લા ઓમરઝાઈ અને ઈબ્રાહિમ ઝદરાન વચ્ચે સારી ભાગીદારી થઇ હતી. ઓમરઝાઇ ૨૨, મોહમ્મદ નબી ૧૨ રન કરી આઉટ થયો હતો. રાશિદે ૧૮ બોલમાં અણનમ ૩૫ રન કર્યા હતા. જ્યારે ઈબ્રાહિમ ઝદરાન ૧૨૯ રનના સ્કોર પર અણનમ પરત ફર્યો હતો.

ઑસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. આ સિવાય મિશેલ સ્ટાર્ક, ગ્લેન મેક્સવેલ અને એડમ ઝમ્પાને એક-એક સફળતા મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button