મોરેશિયસ પોલીસની એક માહિતી પ્રમાણે, મોરેશિયસમાં રવિવારે ધાર્મિક વિધિ દરમિયાન લાગેલી આગમાં છ તીર્થયાત્રીઓના મોત થયા હતા (Mauritius fire breaks out). જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું બહાર આવ્યું છે. શિવરાત્રી (Mahashivratri) પહેલા આયોજિત એક તહેવાર દરમિયાન આ દુર્ઘટના બની હતી.
પોલીસ કમિશનર અનિલ કુમાર દીપે રાષ્ટ્રીય ટેલિવિઝન પર જણાવ્યું હતું કે હિન્દુ દેવતાઓની મૂર્તિઓને પ્રદર્શિત કરતી એક લાકડા અને વાંસની ગાડી ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવતાં આગ લાગી હતી. ઘણા લોકો આ આગની ચપેટમાં આવી ગયા હતા.
પોલીસ કમિશનર અનિલ કુમાર દીપે જણાવ્યું કે, અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને સાત ઘાયલ થયા છે. ઘાયલોની હાલત ગંભીર છે અને તેમની સારવાર હજુ ચાલુ છે. પૂર્વ આફ્રિકન ટાપુ રાષ્ટ્રના હિંદુ સમુદાય દ્વારા પવિત્ર ગણાતા શિવરાત્રી ઉત્સવ પહેલા તીર્થયાત્રીઓ ગ્રાન્ડ બેસિન લેક સુધી પગપાળા મુસાફરી કરી રહ્યા હતા.
હિન્દુ પંચાગ પ્રમાણે મહાશિવરાત્રી ફાગણ માસમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ, શુક્રવારના રોજ છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર અનેક શુભ સંયોગો (શુભ યોગ) બનવાના છે. મહાશિવરાત્રી શ્રવણ નક્ષત્રમાં આવી રહી છે અને આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે શિવયોગ, સિદ્ધયોગ પણ રચાઈ રહ્યો છે. આ શુભ સંયોગોની કેટલીક રાશિઓ પર ખૂબ જ સારી અસર થવા જઈ રહી છે.