મૌલાનાના નિવેદનથી કેરળમાં હોબાળો, મૌલાનાએ કહ્યું કે હિજાબ ન પહેરતી મહિલાઓનું ચરિત્ર…
કોઝિકોડ: કેરળમાં ‘હિજાબ’ ન પહેરતી મહિલાઓ સામે અપમાનજનક ટિપ્પણી કરવી એક મૌલવીને ભારે પડી હતી. કેરળ પોલીસે મૌલવી મુકકમ ઉમર ફૈઝી વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસની ટીમે પણ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. ફૈઝીએ થોડા મહિના પહેલા કથિત રીતે ટિપ્પણી કરી હતી કે જે મહિલાઓ હિજાબ નથી પહેરતી તેમનું ચરિત્ર ખરાબ હોય છે. આ ટિપ્પણીએ રાજ્યમાં ઘણો વિવાદ ઊભો કર્યો હતો કારણ કે મોટી સંખ્યામાં મહિલા નેતાઓ અને કાર્યકરોએ તેનો વિરોધ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર કોઝિકોડ સિટી પોલીસે આ કાર્યવાહી ઓલ કેરળ જમીઆતુલ ઉલમાના નેતા મુકકમ ઉમર ફૈઝી વિરુદ્ધ કરી છે. તેણે ઓક્ટોબર 2023માં મહિલાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. બે મહિના પહેલા સામાજિક કાર્યકર વીપી જુહારાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો હતો. ફૈઝીની ટિપ્પણી સામે સખત વિરોધ વ્યક્ત કરતા ઝુહારાએ ઓક્ટોબરમાં એક જાહેર પ્લેટફોર્મ પર પોતાનો હિજાબ પણ હટાવી દીધો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 295A અને 298 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ફરિયાદી જુહારાએ જાહેરમાં કહ્યું હતું કે હિજાબ પહેરવો કે નહિ એ સ્ત્રીની પસંદગી છે. હું હિજાબ પહેરીને મોટી થઈ છું. આ મારી આદતનો ભાગ છે, પરંતુ તેનો મતલબ એ નથી કે તે અમારી પર ઢોકી બેસાડવામાં આવે. જુહારાએ તેના હીજાબ હટાવતા જ કેટલાક વાલીઓ અને શિક્ષકોએ વિરોધ કર્યો હતો. જે બાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી.
મુસ્લિમ મહિલા અધિકાર કાર્યકર્તા વીપી જુહારાએ અગાઉ આ નિવેદનનો વિરોધ કર્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં તેણે કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટના હસ્તક્ષેપ બાદ પોલીસે 4 જાન્યુઆરીના રોજ ફૈઝી મુકકમ વિરુદ્ધ આઈપીસીની કલમ 295A અને 298 હેઠળ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ નોંધ્યો હતો.