UP વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે માતા પ્રસાદ પાંડેના નામ પર મહોર
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની વિધાનસભામાં વિપક્ષના નેતાને લઈને ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાને હવે પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે. સમાજવાદી પાર્ટીએ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે બ્રાહ્મણ ચહેરાને આગળ કરીને માતા પ્રસાદ પાંડેના નામ પર મંજૂરીની મહોર મારી દીધી છે. સપાએ આ બાબતે કે પરિપત્ર જાહેર કરીને જાહેરાત કરી છે.
માતા પ્રસાદ પાંડે અખિલેશ સરકારમાં વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ સાથે સપાએ મહેબૂબ અલીને વિધાનસભાના પ્રિસાયડિંગ બોર્ડ તેમજ કમલ અખ્તરને મુખ્ય દંડક અને રાકેશ કુમાર ઉર્ફે આરકે વર્માને નાયબ દંડકની જવાબદારી સોંપી છે.
સપાએ રાજ્યની રાજનીતિમાં ચાલી રહેલી તમામ અટકળોને ખોટી પાડીને સપાના માતા પ્રસાદ પાંડેને વિપક્ષના નેતા બનાવ્યા છે. આ પદને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે અખિલેશ યાદવ કાકા શિવપાલને પણ વિધાનસભામાં આ જવાબદારી આપી શકે છે. જો કે આ લિસ્ટમાંથી શિવપાલનું નામ પણ હટાવી દેવામાં આવ્યું છે. આ યાદીમાં સપાના નેતા ઈન્દ્રજીત સરોજનું નામ પણ ચર્ચાય રહ્યું હતું. જો કે આઅ મામલે તેણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હું યુપી વિધાનસભામાં વિપક્ષના નેતાની રેસમાં નથી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે પણ પસંદ કરશે તે સર્વોપરી હશે.
સિદ્ધાર્થનગરની ઇટવા સીટના ધારાસભ્ય માતા પ્રસાદ પાંડે આવતીકાલથી યુપી વિધાનસભામાં વિપક્ષના નેતાના પદ પર બેસવાના છે. PDA બાદ યુપીના રાજકારણમાં અખિલેશ યાદવે સૌને ચોંકાવનારું બ્રાહ્મણ કાર્ડનો દાવ ચાલ્યો છે. માતા પ્રસાદ પાંડેને સપા પ્રમુખ અખિલેશ યાદવના નજીકના માનવામાં આવે છે, એવી ચર્ચા હતી કે સપા પ્રમુખ તેમના પીડીએ હેઠળ પછાત સમુદાયમાંથી આવતા નેતાને આ જવાબદારી આપશે. જો કે અખિલેશે માતા પ્રસાદ પાંડેના નામ પર મહોર લગાવીને બધાને ચોંકાવી દીધા છે.