જીએસટીની આવકમાં જંગી વધારો
નવી દિલ્હી: નાણાં મંત્રાલયે શુક્રવારે જાહેરાત કરી હતી કે દેશમાં વેપાર ક્ષેત્રે આવેલી તેજીને પગલે માલ અને સેવા કર (ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ – જીએસટી)ની ચાલુ વર્ષના ફેબ્રુઆરીની આવક ૨૦૨૩ના ફેબ્રુઆરીની સરખામણીમાં ૧૨.૫ ટકા વધીને રૂપિયા ૧.૬૮ લાખ કરોડથી વધારે થઇ હતી. ચાલુ નાણાકીય વર્ષના ૨૦૨૩ના એપ્રિલથી ૨૦૨૪ના ફેબ્રુઆરી દરમિયાન જીએસટીની આવક ગયા નાણાકીય વર્ષના આ સમયગાળાની સરખામણીમાં ૧૧.૭ ટકા વધુ એટલે કે કુલ રૂપિયા ૧૮.૪૦ લાખ કરોડ થઇ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટીની સરેરાશ માસિક આવક રૂપિયા ૧.૬૭ લાખ કરોડ રહી હતી, જ્યારે ગયા નાણાકીય વર્ષમાં તે રૂપિયા ૧.૫ લાખ કરોડ હતી.
નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)ની આવક રૂપિયા ૧,૬૮,૩૩૭ કરોડ થઇ હતી અને ૨૦૨૩ના ફેબ્રુઆરીની સરખામણીમાં જીએસટીની આવક ૧૨.૫ ટકા વધી હતી.
સ્થાનિક વેપારમાંની તેજીથી જીએસટીની આવક ૧૩.૯ ટકા વધી હતી, જ્યારે માલસામાનની આયાતથી જીએસટીની થતી આવકમાં ૮.૫ ટકાનો વધારો થયો હતો. (એજન્સી)