દિલ્હીના રાજ્યસભા સાંસદોના નિવાસસ્થાને મોટી આગ: 30 મિનિટ સુધી ફાયર બ્રિગેડ ગાયબ...
Top Newsનેશનલ

દિલ્હીના રાજ્યસભા સાંસદોના નિવાસસ્થાને મોટી આગ: 30 મિનિટ સુધી ફાયર બ્રિગેડ ગાયબ…

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં આજે મોટો અકસ્માત સર્જાયો હતો. જ્યાં ડો. બિશમ્બર દાસ માર્ગ પર સ્થિત રાજ્યસભા સાંસદોના આવાસ, બ્રહ્મપુત્રા એપાર્ટમેન્ટ્સમાં ભીષણ આગ લાગી છે. આ એપાર્ટમેન્ટ સંસદ ભવનથી માત્ર 200 મીટરના અંતરે આવેલું છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. જોકે, શરૂઆતમાં ફાયર વિભાગની ગાડીઓ મોડી પહોંચતા ત્યાં રહેતા લોકોમાં અને રાજકીય વર્તુળોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

બિલ્ડિંગના ઉપરના માળે આગ
પ્રાથમિક માહિતી મુજબ, આગ બિલ્ડિંગના ઉપરના માળમાંથી કોઈ એકમાં લાગી હતી, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે અંગેની સત્તાવાર માહિતી હજી સુધી સામે આવી નથી. આ એપાર્ટમેન્ટ્સનું વર્ષ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સાંસદ સાકેત ગોખલેએ વ્યક્ત કરી ચિંતા
આ ઘટનાને લઈને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ સાકેત ગોખલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર માહિતી આપી અને તંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું, “દિલ્હીના બીડી માર્ગ સ્થિત બ્રહ્મપુત્રા એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ ઇમારતમાં રહેતા તમામ નિવાસીઓ રાજ્યસભા સાંસદ છે.

આ ઇમારત સંસદ ભવનથી 200 મીટરના અંતરે છે, છતાં 30 મિનિટ સુધી કોઈ ફાયર વિભાગની ગાડી આવી નથી. વારંવાર કોલ કરવા છતાં ફાયર બ્રિગેડની ગાડીઓ ગાયબ છે. દિલ્હી સરકાર, થોડી તો શરમ કરો.” જોકે, બાદમાં ફાયર વિભાગની ગાડીઓ પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…દિલ્હીની દીપિકાએ પ્રોફેસરને માર્યો લાફોઃ ટીચર્સ-સ્ટુડન્ટ્સ બન્નેમાં રોષ, કમિટી દ્વારા તપાસની માગણી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button