કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: ૧૮નાં મોત
કાનપુર: કૌશામ્બીમાંથી એક દુ:ખદ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. પ્રયાગરાજ કાનપુર હાઈવે પર કોખરાજ નજીક આવેલા ફટાકડાના કારખાનામાં રવિવારે બપોરે ભયંકર આગ ફાટી નીકળ્યા બાદ મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટના જિલ્લાના કોખરાજ પોલીસ સ્ટેશનના ભરવરી શહેરમાં બની હતી. ફટાકડાના કારખાનામાં આગ લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટ થવાને કારણે અત્યાર સુધીમાં ૧૮ લોકોના મોત થયા હોવાના સમાચાર જાણવા મળ્યા છે. આગને કારણે ઘણા લોકો દાઝી ગયા હતા. ધડાકાનો પ્રચંડ અવાજ દૂર સુધી સંભળાયો હતો.
વિસ્ફોટના કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. અત્યાર સુધીમાં ૧૦ લોકોને બચાવીને ફેક્ટરીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજી પણ કેટલાક લોકો ફેક્ટરીની અંદર ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. તમામની હાલત ખૂબ જ ચિંતાજનક હોવાનું કહેવાય છે. ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ, પ્રશાસન અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. આગ અને વિસ્ફોટની તીવ્રતા જોતા મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી ફેક્ટરીના માલિક કૌશલ અલી છે. તેની ફેક્ટરીની કાયદેસરતા સહિત અન્ય હકીકતોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ ગામમાં સ્થિતિ ખરાબ છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
કૌશામ્બીના ખલીલાબાદમાં રહેતા શરાફત અલી કોખરાજ પાસે ફટાકડાની ફેક્ટરી ધરાવે છે. રવિવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ફેક્ટરીમાં ૨૦-૨૫ મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટનો અવાજ શરૂ થયો હતો. તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે, શરાફત અલીના પુત્ર શાહિદ અને તેના ભાઈ કૌસરને અંદરથી બહાર કાઢવામાં આવ્યા છે, તમામની હાલત ગંભીર છે.
કૌશામ્બીના પોલીસ અધિક્ષક બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે અને આ અકસ્માતમાં ૧૮ લોકોના મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે…
સીએમ યોગીએ કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માતની નોંધ લીધી હતી. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં વ્યસ્ત છે.