સુરતમાં સામૂહિક આત્મહત્યા: સાતનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં એક જ પરિવારના સાત સભ્યો શનિવારે તેમના નિવાસસ્થાને મૃત અવસ્થામાં મળ્યા હતા. સાતમાંથી ૩ બાળકો હતાં. છ વ્યક્તિઓના શબ ઘરમાંથી મળતા અને એકની લાશ ગળાફાંસા સાથે મળતા પોલીસને આ સામૂહિક આત્મહત્યાનો કેસ હોવાની શંકા છે. મોડેથી મળતા અહેવાલો પ્રમાણે આ સમગ્ર મામલાની વધુ તપાસ માટે સીટની રચનાની સંભાવના છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પાલનપુર પાટિયા વિસ્તારના સિદ્ધેશ્ર્વર એપાર્ટમેન્ટમાં
રહેતાં એક જ પરિવારના સાત લોકોના સામૂહિક આપઘાતની આશંકા છે. સામૂહિક આપઘાતની આ ઘટનામાં પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાની થિયરી પર પોલીસ તપાસ આગળ વધી રહી છે.
આ પરિવારના સાત સદસ્યોમાં પતિ-પત્ની, માતા-પિતા, બે બાળક અને એક બાળકીનો સમાવેશ થાય છે. આ ઘટનાની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. આ સાથે આસપાસના લોકો તથા પરિવારજનોની પૂછપરછ પણ હાથ ધરી છે. જોકે હાલ આર્થિક સંકડામણને કારણે પરિવારે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ મનીષ સોલંકી ઉર્ફે શાંતુ ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ઘરના મોભી મનીષે પરિવારના સભ્યોને ઝેરી પ્રવાહી પીવડાવી ફાંસો ખાઈ લીધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતકોમાં ત્રણ બાળકો છે જે તમામની ઉંમર ૮ વર્ષથી ઓછી હોવાનું જાણવા મળ્યું છે. મનીષ મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી હતો. આ પરિવારે સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.
મૃતકોમાં મનીષ સોલંકી, રેશમાબેન (પત્ની), કાવ્યા, ત્રિશા, કૃષાલ, કનુભાઈ(પિતા) અને શોભાબેન (માતા)નો સમાવેશ થાય છે.
આ સમગ્ર ઘટના અંગે ડીસીપીએ જણાવ્યું હતુ કે રાતના સમયે એક પરિવારનાં સાત સભ્યોએ આપઘાત કર્યો હોવાનો મેસેજ હતો. જેમાં પ્રાથમિક તપાસમાં એક વ્યક્તિએ ગળાફાંસો અને બાકીના છ લોકોએ કોઈ ઝેરી વસ્તુ ખાધી હોવાનું સામે આવ્યું છે. હાલ આ અંગે આગળની તપાસ ચાલુ છે. તેઓએ આપઘાત કરતા પહેલા લખાણમાં કોઈનું નામ લખ્યું નથી પણ પૈસા ઉધાર હશે તે લેવાના બાકી છે એવું કારણ જણાવ્યું હતું. પરિવારનું ફર્નિચરનું સારું એવું કામકાજ હતું અને તેમના હાથની નીચે ૩૦-૩૫ જેટલા લોકો કામ કરતાં હતાં.
પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી છે. પરિવારે આર્થિક સંકડામણથી ત્રાસી આપઘાત કર્યો હોવાની પૂર્ણ શક્યતા છે. ઘરના મોભીએ કોઈને રૂપિયા આપ્યા હતા તે પરત નહીં આવતાં આર્થિક ભીંસમાં આવી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મનીષ સોલંકીએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારે પૈસાની કોઈ તકલીફ નથી પણ જેની પાસે લેવાના છે એ ઉઘરાણી આવતી નથી.