પાલનપુરમાં સામૂહિક આત્મહત્યા પરિણીતા, તેના બે સંતાનો અને સાસુએ ડેમમાં ઝંપલાવી મોત વહાલું કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં એક જ કુટુંબના સાતની સામૂહિક હત્યાની ચર્ચા હજૂ શમી નથી ત્યાં પાલનપુરના નાની ભટામલમાં સામૂહિક આત્મહત્યાના બનાવમાં પરિણીતા, તેના બે સંતાનો અને તેની સાસુએ ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૃતક પરિણીતાનો પતિ અને સસરા પરિણીતા, તેના સંતાનો અને સાસુને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. બનાવ અંગે મૃતક પરિણીતાના ભાઈ પ્રવિણસિંહ
જગતસિંહ વાઘેલા (ઠાકોરે) પાલનપુર તાલુકા
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેમની નાની બહેન નયનાબેનના લગ્ન અરવિંદસિંહ સાથે પાંચ વર્ષ પહેલાં કર્યાં હતાં. ગત ૪ નવેમ્બરના રોજ સાંજના ચાર વાગ્યાની આસપાસ પ્રવિણસિંહના નાના ભાઈએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, નયનાબેન, તેમની દીકરી સપના અને દીકરો વિરમસિંગ તથા સાસુ કનુબા ચૌહાણ, આ ચારેય લોકો સવારે ૯ વાગ્યાની આસપાસ કોઇને કહ્યાં વગર ઘરેથી જતા રહ્યાં છે. નયનાબેન પોતાના બે સંતાનો અને સાસુ સાથે ક્યાંક જતા રહ્યાં હોવાની જાણ થતાં પ્રવિણસિંહ સહિતનાઓએ શોધખોળ હાથ ધરી હતી.
પરિવારજનો શોધી રહ્યા હતા ત્યારે દાંતીવાડા ડેમની પાળે રામનગર ગામની સીમમાં ચાર જોડી નાના મોટા ચંપલ, એક લેડિઝ પર્સ પડેલું જણાયું હતું. જેથી આ ચારેયએ ડેમમાં ઝંપલાવ્યું હોવાની શંકા જાગી હતી. જેથી પ્રવિણસિંહએ પિતા અને કાકાને જાણ કરી હતી.
પ્રવિણસિંહના પિતા અને કાકા તથા કુંટુબીજનો દાંતીવાડા ડેમ પહોંચ્યા હતા. ડેમમાં કોઇએ ઝંપલાવ્યું હોવાની જાણ થતાં અન્ય લોકો પણ એકઠા થઇ ગયા હતા. રામનગર ગામમાંથી ચારથી પાંચ તરવૈયાઓને બોલવવામાં આવ્યા હતા. તેમજ દાંતીવાડા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ડેમમાં શોધખોળ દરમિયાન રાત્રીના સમયે ડેમમાંથી નયનાબેન, તેમની દીકરી, દીકરા અને સાસુનો મૃતદેહ મળી આવ્યો હતો. ચારેયના મૃતદેહોને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે પ્રવિણસિંહે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નયનાબેનને તેમના પતિ નારણસિંગ અને સસરા ગેનસિંગ દ્વારા વારંવાર ગાળો બોલવામાં આવતી હતી અને મારઝૂડ કરવામાં આવી હતી. ઘરેથી પણ કાઢી મૂકવામાં આવી હતી. તેને સમજાવીને સાસરીએ પાછી મોકલી હતી. જે દરમિયાન પતિ અને સસરા દ્વારા નયનાબેન સાથે અને તેમના સાસુને પણ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. નારણસિંગ અને ગેનસિંગનો ત્રાસ સહન ન થતા નયનાબેન, તેમના સંતાનો અને સાસુએ ત્રાસથી કંટાળીને દાંતીવાડા ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પાલનપુર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.