અયોધ્યાના શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલવાની વિચારણા, જાણો શું હશે નવું નામ..

અયોધ્યા: શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલવા અંગે વિચારણા ચાલી રહી છે. અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મિકીના નામ પર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. સૂત્રો મુજબ, ઉત્તરપ્રદેશની યોગી સરકાર આ અંગે એક પ્રસ્તાવ મોકલાવી શકે છે.
રામનગરી અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે દૂરદૂરથી લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા આવી પહોંચશે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમજ ધર્મનગરી અયોધ્યાને નવું સ્વરૂપ આપવા માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ તેનો જ એક ભાગ છે. એરપોર્ટનું હજુ ઉદ્ઘાટન થવાનું બાકી છે, જો કે ઉદ્ઘાટન પહેલા એક ટ્રાયલ કરીને એક વિમાનનું સેફ લેન્ડિંગ પણ કરાવવામાં આવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ડિસેમ્બરે ‘મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ’નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ પહેલા એરપોર્ટ પરની વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાવાનો છે, જેને પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને વિશેષ મહેમાનોનું આગમન થશે. એવામાં અટકળો વહેતી થઇ છે કે એરપોર્ટનું મૂળ નામ બદલીને ‘મહર્ષિ વાલ્મીકિ’ના નામ પર રાખવામાં આવશે.
નવી દિલ્હીથી રામનગરી અયોધ્યા માટે એર ઈન્ડિયા અને ઈન્ડિગોની પ્રથમ ફ્લાઈટ 30 ડિસેમ્બરે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા પહોંચશે. આ પછી 6 જાન્યુઆરીથી ઈન્ડિગોની ફ્લાઈટ્સ નિયમિતપણે શરૂ થશે અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ 16 જાન્યુઆરીથી નિયમિતપણે શરૂ થશે. અયોધ્યાથી દિલ્હીનું ભાડું લગભગ 3600 રૂપિયા હશે. જો 22 જાન્યુઆરીના કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓને જવું હોય તો બે દિવસની એટલે કે 20થી 22 જાન્યુઆરીની ફ્લાઇટની ટિકિટની કિંમત તેમને અત્યંત મોંઘી પડશે, જે 12000 રૂપિયાથી વધુ છે.