ઝારખંડમાં માઓવાદીઓએ રેલવે ટ્રેક ઉડાવ્યો, ટ્રેન સેવાઓ ખોરવાઇ
રેલવે ટ્રેક: ઝારખંડના પશ્ર્ચિમ સિંઘભૂમ જિલ્લાના ચાઈબાસ ખાતે પ્રતિબંધિત માઓવાદીઓએ ગોઈલકેરા અને પોસોઈટા વચ્ચેનો રેલવે ટ્રેક ઉડાડી દીધા બાદ દેખાઈ રહેલો રેલવે ટ્રેકનો હાનિ પામેલો હિસ્સો. (એજન્સી)
ચાઇબાસા: ઝારખંડના પશ્ર્ચિમ સિંધભુમ જિલ્લામાં માઓવાદીઓએ રેલવે ટ્રેકનો એક ભાગ ઉડાવી દીધો હતો. જેના લીધે હાવડા-મુંબઇ રૂટ પર કેટલાક કલાકો સુધી ટ્રેન સેવાઓ ખોરવાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પશ્ર્ચિમ સિંધુભુમના પોલીસ અધિક્ષક આશુતોષ શેખરના જણાવ્યા અનુસાર આ ઘટના ગુરુવારે મોડી રાત્રે રાજ્યની રાજધાની રાંચીથી લગભગ ૧૫૦ કિમી દૂર મહાદેવસલ અને પોસોઇટા રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. વહેલી સવારથી રેલ્વે ટ્રેક પર સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. માઓવાદીઓએ આ વિસ્તારમાં બેનરો અને પોસ્ટરો પણ લગાવ્યા હતા.
સાઉથ ઇસ્ટર્ન રેલવેના ચક્રધરપુર ડિવિઝનના આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર વિનિત કુમારના જણાવ્યા મુજબ ડિવિઝનમાં શુક્રવારે સવારે ૮-૧૫ વાગ્યાની આસપાસ ટ્રેનો ફરી શરૂ થઇ હતી. કુમારે જણાવ્યું હતું કે, મહાદેવસલ અને પોસોઇટા સેક્શન વચ્ચે ત્રીજા ટ્રેકને થયેલા નુકસાન અંગેની માહિતી વિભાગીય મુખ્યાલયને ગુરુવારે રાત્રે ૧૧-૪૭ વાગ્યે મળી હતી. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં લગભગ બેથી ત્રણ મીટરના ટ્રેકને નુકશાન થયું હતું. રેલવે સત્તાધીશો ટૂંક સમયમાં આ ઘટનાને કારણે રોકાયેલી અને રદ્દ કરાયેલી ટ્રેનોની સંખ્યા અંગે માહિતી પ્રકાશિત કરશે. નોંધનીય છે કે પ્રતિબંધિત સંગઠન સીપીઆઇ (માઓવાદી) ૧૬ ડિસેમ્બરથી વિરોધ સપ્તાહ ઉજવી રહ્યું છે અને શુક્રવારે ભારત બંધનું આહ્વાન કર્યું હતું.