‘કોંગ્રેસમાં ઘણી મહિલાઓ શ્રેષ્ઠ મુખ્યમંત્રી બની શકે છે’: રાહુલ ગાંધી
કેરળ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળના એર્નાકુલમમાં મહિલા કોંગ્રેસ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે સત્તામાં ઉચ્ચ પદો પર મહિલાઓનું પ્રભુત્વ ઓછું છે તેવો ઉલ્લેખ કર્યો હતો.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આજે આપણી પાસે મહિલા મુખ્યપ્રધાનોનો ઘણો અભાવ છે. કોંગ્રેસ પાર્ટીમાં ઘણી મહિલાઓ છે, જેઓ એક શ્રેષ્ઠ મુખ્યપ્રધાન બની શકે છે. રાહુલે કહ્યું કે, હવે આપણું કામ કોંગ્રેસના તમામ સ્તરે વધુમાં વધુ મહિલાઓની ભાગીદારી હોય, તે સુનિશ્ચિત કરવાનું છે. આપણી પાસે આગામી 10 વર્ષમાં 50 ટકા મુખ્યપ્રધાન હોય, તે કોંગ્રેસ માટે સારું લક્ષ્ય હશે.
આ સાથે જ કોંગ્રેસના કેરળના નેતા વીડી સતીસને એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા કેરળમાં ટૂંક સમયમાં જ રેલીનું આયોજન કરાશે, જેમાં પક્ષના કાર્યકર્તાઓ ઉપરાંત મહિલા કોંગ્રેસના વોર્ડ સ્તરના તમામ પદાધિકારીઓ સામેલ થશે. વીડી સતીસને કહ્યું હતું કે, અમારી રેલી મહિલાઓ અને બાળકો પર થતી હિંસાને રોકવામાં નિષ્ફળ ગયેલી સરકારો માટે એક ચેતવણી સમાન હશે.
હાલ પાંચેય રાજ્યોમાં ચૂંટણીના પરિણામોની સૌ કોઇ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. આ પ્રદેશોના પરિણામો બાદ દેશમાં કોંગ્રેસ ખરેખર કેટલી સત્તા મેળવી શકે છે તે સ્પષ્ટ થશે. પરિણામો બાદ રાહુલ ગાંધી 8થી 14 ડિસેમ્બર દરમિયાન મલેશિયા, સિંગાપુર અને ઈન્ડોનેશિયાના પ્રવાસે જશે. જ્યાં તેઓ ત્યાં સ્થિત ભારતીયો તથા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.