
ચંદિગઢઃ હરિયાણાના પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટરે વિધાનસભાનું સભ્યપદે રાજીનામું આપી દીધું છે. એક દિવસ પહેલા એટલે કે 12 માર્ચના રોજ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ ખાલી થયેલી કરનાલ સીટથી નવા મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈની પેટા ચૂંટણી લડશે.
હાલ તેઓ હરિયાણાના કરૂક્ષેત્રના સાંસદ છે. 12 માર્ચના રોજ મનોહર લાલ ખટ્ટરના રાજીનામાના થોડા કલાકો પછી, નાયબ સૈનીએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પછી તેમણે રાજ્યપાલને મળવા અને વિશ્વાસનો મત રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
નવા મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ આજે વિધાનસભામાં વિશ્વાસનો મત રજૂ કર્યો હતો, જેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત, હરિયાણાની નવી સૈની સરકારે ફ્લોર ટેસ્ટ પણ પાસ કર્યો હતો. જો કે આજે વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન વિપક્ષે મતદાનની માંગણી કરી હતી, પરંતુ સ્પીકરે આવો રિવાજ ન હોવાનું કહીંને ધ્વની મત દ્વારા મતદાન કરાવ્યું હતું, જેમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
આ પહેલા સોમવારે મોડી રાત્રે હરિયાણાના પૂર્વ ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે એકથી બે બેઠકો માંગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજેપી હાઈકમાન્ડે તેમને કહ્યું કે જો ગઠબંધનનો આગળ વિચાર હશે, તેનાથી અવગત કરાવવામાં આવશે.
હરિયાણાના સીએમ તરીકે નાયબ સિંહ સૈનીની સાથે 5 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા, જેમાં કંવરપાલ સિંહ, મૂળચંદ શર્મા, રણજીત સિંહ ચૌટાલા, જયપ્રકાશ દલાલ, ડૉ.બનવરી લાલનો સમાવેશ થાય છે.