
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, મારા મનમાં પીડા છે. દરેક ભારતીયોનું લોહી આતંકી હુમલા બાદ ઉકળી ઉઠ્યું છે. આતંકવાદ સામેના યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોની એકજૂથતા આપણી સૌથી મોટી તાકાત છે.
આતંકીઓ અને તેમના આકા કાશ્મીર ફરીથી અશાંત થઈ જાય તેમ ઈચ્છે છે, તેથી આ મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આતંકવાદ સામેના આ યુદ્ધમાં દેશની એકતા જોવા મળી છે. ભારતીયોની સાથે વિશ્વના અનેક દેશોમાં પણ આક્રોશ છે. આતંકી હુમલા બાદ વિશ્વભરમાંથી સતત સંદેશા આવી રહ્યા છે. સમગ્ર વિશ્વ, આતંકવાદ સામેની લડાઈમાં આપણી સાથે છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયોના મનમાં સંવેદના છે. પછી ભલે તેઓ ગમે તે રાજ્યના હોય, ગમે તે ભાષા બોલતા હોય, જે લોકોએ આ હુમલામાં તેમના પરિવારજનો ગુમાવ્યા છે તેનું દર્દ દરેક ભારતીયો અનુભવી રહ્યા છે.
કાશ્મીરમાં જ્યારે શાંતિ પરત આવતી હતી. સ્કૂલો-કોલેજોમાં ચહલ પહલ હતી, નિર્માણ કાર્યોમાં વેગ આવ્યો હતો, પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો હતો, લોકોની આવક વધી રહી હતી, યુવાઓને નવી તકો મળતી હતી, આ વાત દેશના દુશ્મનોથી સહન ન થઈ. આતંકી અને આતંકાના આકા કાશ્મીર ફરીથી તબાહ થાય તેમ ઈચ્છતા હોવાથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. આપણે દેશ સામે આવેલા પડકારોનો સામનો કરવા માટે સંકલ્પોને મજબૂત કરવાના છે.
પહેલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો હતો. જેમાં બે વિદેશી પ્રવાસી સહિત 26 લોકોના મૃત્યુ થયા હતા. પુલવામા હુમલા પછીનો આ સૌથી મોટો આતંકી હુમલો હતો.
આપણ વાંચો : પાકિસ્તાનના ગુજરાતી હિન્દુ ક્રિકેટરે નરેન્દ્ર મોદીની ખૂબ વાહ-વાહ કરી…જાણો શા માટે