મનમોહન સિંહને જીવનભર અફસોસ રહ્યો, તેમની આ ઇચ્છા અધુરી રહી ગઇ…
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન થયું છે. તેમણે નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે ગુરુવારે રાત્રે 9.51 કલાકે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. કુશળ અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહ એ સાબિત કરી બતાવ્યું કે બૌદ્ધિકો પણ રાજકારણ કરી શકે છે.
તેમના નિધન પર કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેઓ 2004 થી 2014 સુધી કુલ દસ વર્ષ દેશના વડાપ્રધાન રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ મનરેગા, માહિતીનો અધિકાર, શિક્ષણનો અધિકાર, ખાદ્ય સુરક્ષા કાયદો, જમીન સંપાદન કાયદો જેવા ઘણા મહત્વપૂર્ણ કાયદાઓ લાવ્યા અને દેશને નવી ઉંચાઈ પર લઈ ગયા.
આ પણ વાંચો : BIG BREAKING: પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન, આર્થિક ઉદારીકરણના કહેવાય છે જનક
તેમનો જન્મ 26 સપ્ટેમ્બર, 1932ના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયો હતો. તેઓએ વિભાજનની પીડા સહન કરી હતી. જીવનના એક તબક્કે તેમણે હકના લોકો, હકની જમીન બધું જ છોડવું પડ્યું હતું. તેમણે જન્મ સ્થળની માટી અને લોકોની યાદોને સ્મૃતિઓના રૂપમાં સાચવી રાખી હતી.
કેવું રહ્યું બાળપણ, કઈ ઈચ્છા અધૂરી રહી ગઈ:-
બહુ ઓછા લોકો જાણે છે કે ડૉ.મનમોહન સિંહનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ મનમોહન સિંહના બાળપણ વિશે જણાવ્યું કે મનમોહન સિંહ હજી તો સમજણા પણ નહોતા થયા અને તેમની માતાનું અવસાન થયું હતું. મનમોહન સિંહનો ઉછેર તેમના દાદા-દાદીએ કર્યો હતો. વિભાજન પહેલાના રમખાણોમાં તેમની દાદીની હત્યા થઈ હતી. આ ઘટનાએ તેમના મન પર મોટી અસર કરી હતી. આ ઘટના બાદ તેઓ પેશાવરમાં તેમના પિતાના ઘરે ગયા હતા. તેમના પિતા પેશાવરમાં નોકરી કરતા હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન, તેમણે માધ્યમિક શાળા છોડીને ભારત આવવું પડ્યું.
શુક્લાના કહેવા પ્રમાણે મનમોહન સિંહનું બાળપણ ઘણી મુશ્કેલીમાં વીત્યું હતું. આમ છતાં તેઓ અભ્યાસમાં અવ્વલ હતા.
રાજીવ શુક્લાએ કહ્યું હતું કે મનમોહન સિંહની એક ઈચ્છા અધૂરી રહી ગઇ. તેઓ પાકિસ્તાનના ચકવાલ જિલ્લામાં આવેલા તેમના વતન ગામ ગાહ જવા માંગતા હતા. જ્યારે તેમણે મનમોહન સિંહને પૂછ્યું કે તેઓ તે ગામમાં કેમ જવા માગે છે, તો પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ એ શાળા જોવા માંગે છે જ્યાં તેઓ ચોથા ધોરણ સુધી ભણ્યા હતા અને જીવનની પ્રારંભિક અને મૂળભૂત તાલીમ મેળવી હતી. પાકિસ્તાન જઈને આ ગામની મુલાકાત લેવાની તેમની તીવ્ર ઈચ્છા હતી, પણ તેમની આ ઈચ્છા અધૂરી રહી ગઇ. તે ક્યારેય પૂરી થઈ શકી નહીં.