નેશનલ

મનમોહન સિંહ દેશના એકમાત્ર વડાપ્રધાન, જેમના હસ્તાક્ષર ભારતીય ચલણી નોટો પર…

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે નિધન થયું છે. તેમણે દેશના નાણા પ્રધાન અને આરબીઆઈ ગવર્નરની જવાબદારી સંભાળી છે.

આ પણ વાંચો : ડૉ. મનમોહન સિંહનાં નિધન પણ PM મોદી, ભૂપેન્દ્ર પટેલે આપી શ્રધ્ધાંજલી

તેઓ દેશના એકમાત્ર એવા વડાપ્રધાન છે જેમના હસ્તાક્ષર ભારતીય ચલણી નોટો પર જોવા મળે છે. 2005 માં જ્યારે તેઓ વડાપ્રધાન પદ પર હતા ત્યારે ભારત સરકારે 10 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. તેના પર મનમોહન સિંહની સહી હતી. જો કે, તે સમયે નોટો પર ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરની સહી કરવામાં આવતી હતી. પરંતુ આ ખાસ ફેરફાર 10 રૂપિયાની નોટમાં થયો હતો.

મનમોહન સિંહ 16 સપ્ટેમ્બર 1982 થી 14 જાન્યુઆરી 1985 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન છપાયેલી નોટો પર તેમની સહી રહેતી હતી. ભારતમાં હજુ પણ આ પ્રણાલી અસ્તિત્વમાં છે કે ચલણ પર રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનના નહીં, પરંતુ RBIના ગવર્નરના હસ્તાક્ષર હોય છે.

મનમોહન સિંહને અર્થશાસ્ત્રના તેમના ઊંડા જ્ઞાન અને 1991માં ભારતમાં તેમણે કરેલા ઐતિહાસિક આર્થિક સુધારા માટે યાદ કરવામાં આવે છે. વડાપ્રધાન બનતા પહેલા તેઓ ભારતના નાણા પ્રધાન રહી ચૂક્યા છે. તેમના દ્વારા કરવામાં આવેલા સુધારાઓએ ભારતીય અર્થતંત્રને નવી દિશા આપી હતી. જ્યારે મનમોહન સિંહે 1991માં પીવી નરસિંહા રાવ સરકારમાં નાણા મંત્રાલયની જવાબદારી સંભાળી ત્યારે ભારતની રાજકોષીય ખાધ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના 8.5 ટકાની નજીક હતી, બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ ખાધ મોટી હતી.

ચાલુ ખાતાની ખાધ પણ જીડીપીના 3.5 ટકાની આસપાસ હતી. આ ઉપરાંત, દેશ પાસે આવશ્યક આયાત માટે ચૂકવણી કરવા માટે માત્ર બે અઠવાડિયા ચાલે તેટલું જ વિદેશી હૂંડિયામણ હતું. સ્પષ્ટપણે દેશની અર્થવ્યવસ્થા ગંભીર સંકટમાં હતી.

આ પણ વાંચો : પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનથી દેશમાં શોકની લહેર, જાણો ખાસ વાતો

આવી સ્થિતિમાં ડૉ.મનમોહન સિંહે કેન્દ્રીય બજેટ 1991-92 દ્વારા દેશમાં એક નવા આર્થિક યુગની શરૂઆત કરી. તે સ્વતંત્ર ભારતના આર્થિક ઇતિહાસનું એક સીમાચિન્હરૂપ પગલું હતું, જેમાં બોલ્ડ આર્થિક સુધારા, લાઇસન્સ રાજ નાબૂદ અને ખાનગી અને વિદેશી કંપનીઓ માટે ઘણા ક્ષેત્રો ખોલવા જેવી પહેલ સામેલ હતી. આ તમામ પગલાંનો ઉદ્દેશ અર્થતંત્રને પાટા પર લાવવાનો હતો.

ભારતને નવી આર્થિક નીતિના માર્ગ પર લાવવાનો શ્રેય ડૉ.મનમોહન સિંહને આપવામાં આવે છે. તેમણે વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI), રૂપિયાનું અવમૂલ્યન, ટેક્સમાં ઘટાડો અને જાહેર ક્ષેત્રની કંપનીઓના ખાનગીકરણને મંજૂરી આપીને નવી શરૂઆત કરી. આર્થિક સુધારાની વ્યાપક નીતિ શરૂ કરવામાં તેમની ભૂમિકા સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવે છે. તેમની નીતિઓએ ભારતીય અર્થતંત્રને ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની દિશામાં લઈ જવાનું કામ કર્યું. તેમણે 1996 સુધી નાણા પ્રધાન તરીકે આર્થિક સુધારાનો અમલ ચાલુ રાખ્યો.

મનમોહન સિંહને મે 2004માં દેશની સેવા કરવાની ફરી વાર તક મળી અને આ વખતે તેઓ દેશના વડાપ્રધાન બન્યા. આગામી 10 વર્ષ સુધી તેમણે દેશની આર્થિક નીતિઓ અને સુધારાઓને માર્ગદર્શન આપવાનું કામ કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન જ ભારતનો આર્થિક વિકાસ દર 2007માં નવ ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો અને તે વિશ્વની બીજી સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની હતી.

તેઓ 2005માં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) લાવ્યા અને સેલ્સ ટેક્સના સ્થાને વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) લાવ્યા. આ ઉપરાંત, તેમણે દેશભરમાં 76,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફી અને દેવું રાહત યોજના લાગુ કરીને કરોડો ખેડૂતોને લાભ આપવાનું કામ કર્યું.

આ પણ વાંચો : BIG BREAKING: પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન, આર્થિક ઉદારીકરણના કહેવાય છે જનક

તેમણે 2008ના વૈશ્વિક નાણાકીય મંદી દરમિયાન પણ દેશનું નેતૃત્વ કર્યું હતું અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે એક વિશાળ પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન જ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ‘આધાર’ની શરૂઆત કરવામાં આવી હતી. રાઈટ ટુ ફૂડ એક્ટ અને રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ જેવા અન્ય સુધારા પણ તેમના કાર્યકાળ દરમિયાન થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button