સોનિયા અને રાહુલ ગાંધી સાથે મતભેદમાં બે વાર પદ પરથી રાજીનામું આપવા પણ તૈયાર થઈ ગયા હતા ડૉ. મનમોહન…
નવી દિલ્હીઃ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે એક દાયકા સુધી દેશના વડા પ્રધાન તરીકે ફરજ બજાવી અને સફળતાપૂર્વક વિશ્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થાનું સૂકાન સંભાળ્યું, છતાં તેમને વિપક્ષો દ્વારા હંમેશાં ગાંધી પરિવારના કહેવા પ્રમાણે કરતા રિમોટ કન્ટ્રોલ્ડ વડા પ્રધાન જ કહેવામાં આવ્યા હતા. જોકે મનમોહન સિંહને નજીકથી ઓળખનારા અને તેમના કામને સમજનારા લોકોએ ચોક્કસ કહેશે કે ભલે તેઓ ઓછું બોલતા હતા અને વિનમ્ર હતા, પરંતુ પોતાના નિર્ણયો પર અડગ રહેતા હતા અને તે માટે ગમે તેની સામે પડી જંગ લડતા હતા.
આ પણ વાંચો : ભૂતપૂર્વ PM મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે
સોનિયા ગાંધી સાથે આ મામલે નારાજગી
વર્ષ 2005માં જ્યારે કૉંગ્રેસની આગેવાનીમાં સરકાર બની ત્યારે વડા પ્રધાન તરીકે અચાનક ડૉ. મનમોહન સિંહનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. દેશના નાણાં પ્રધાન રહી ચૂકેલા મનમોહન માટે આ જવાબદારી ભલે અચાનક આવી હતી, પરંતુ તેમની કૌશલ્યકુશળતા, મુત્સદીગીરી, વહીવટી આવડતથી તેઓ એક મજબૂત નેતા તરીકે ઊભરતા ગયા.
તેઓ દરેક નિર્ણય માટે કે સરકાર ચલાવવા માટે ગાંધી પરિવારને આધિન નથી કે તેમના રિમોટ કન્ટ્રોલ પ્રમાણે ચાલતા નથી, તે સાબિત કરતો એક નિર્ણય તેમણે લીદો હતો. આ નિર્ણય હતો અમેરિકા સાથેની સિવિક ન્યુક્લિયર ડીલ એટલે કે નાગરિક પરમાણુ સોદો. જ્યોર્જ ડબલ્યુ બુશ તે સમયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા અને તેમણે અને સિંહે આ ડીલ કરી હતી અને તેની જાહેરાત અમેરિકામાં થઈ હતી.
આ ડીલ પર વિશ્વની નજર હતી, પરંતુ ભારતમાં ઘણા રાજનૈતિક સંગઠનો અને કૉંગ્રેસના અમુક નેતાઓ પણ વિરોધ હતો. આ બધાથી સોનિયા ગાંધી પણ નારાજ હતા અને તેમણે પણ મનમોહન સિંહના આ નિર્ણયનો વિરોધ કર્યો. 2006 અને 2008 વચ્ચેના આ ગાળામાં મનમોહન સિંહે અડગ મનથી કામ લીધું. કોઈ શોરબકોર ન કર્યો અને જ્યારે સોનિયા ગાંધી સામે ટસલ થઈ ત્યારે રાજીનામું આપવાની પણ તૈયારી બતાવી દીધી હોવાનું જાણકારો કહે છે. જોકે તેમણે પોતાના સ્વભાવ પ્રમાણે મુત્સદીગીરીથી કામ લીધું અને અંતે સોનિયા ગાંધીની નારાજગી પણ દૂર થઈ.
તેમના આ નિર્ણયને ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને ફરી સરળ અને મૈત્રીપૂર્ણ બનાવ્યા અને મનમોહનને એક સ્વંતત્ર વિચાર ધરાવતા મજબૂત અને વહીવટી કુનેહવાળા નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા.
રાહુલ ગાંધીની આ ચેષ્ટાથી સખત નારાજ થયા સિંહ
કૉંગ્રેસના તત્કાલીન ઉપાધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી અને મનમોહન સિંહ વચ્ચેની એક વિષયને લઈને થયેલી ઘટનાએ ખૂબજ હંગામો મચાવ્યો હતો. 2013માં સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ તત્કાલીન યુપીએ સરકારે એક અધ્યાદેશ બહાર પાડ્યો હતો. કોર્ટે દોષી નેતાઓના સાંસદપદ અને વિધાયકપદને રદ કરવાનો અને તેમને 6 મહિના સુધી ચૂંટણી લડવાની અનુમતિ ન આપવાનો આદેશ જાહેર કર્યો હતો, પરંતુ મનમોહન સરકાર આ આદેશ રદ કરતો અધ્યાદેશ સંસદમાં પસાર કર્યો હતો.
આ નિર્ણયનો ખૂબ જ વિરોધ થયો. કૉંગ્રેસે આ નિર્ણય અંગે વાત કરવા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી, જેમાં રાહુલ ગાંધી અચાનક પહોંચ્યા. તેમણે પોતાની સરકારના આ નિર્ણય સામે વિરોધ જતાવ્યો અને ટેબલ પર પડેલા કાગળો ફાડી નાખ્યા, જેને અધ્યાદેશ ફાડી નાખ્યો હોવાનું કહેવામાં આવ્યું. ગાંધીએ કહ્યું કે હું મારી સરકારના કામકાજથી સંતુષ્ટ છું અને તેમની સાથે છું, પરંતુ આ નિર્ણય ઉચિત નથી. આવા નાના નાના સમાધાનોથી દૂર રહેવું પડશે. તેમણે આ અધ્યાદેશને બકવાસ પણ કહ્યો હતો.
આ ઘટ્યું ત્યારે સિંહ અમેરિકા હતા અને તેઓ પરત આવ્યા ત્યારે તેમણે મોન્ટેક સિંહ આહલુવાલિયાને પોતાન સ્પષ્ટતા આપી અને પ્રધાનપદ છોડી દઉં કે શું તેવો સવાલ પણ કર્યો હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ આ અધ્યાદેશ પાછો ખેંચવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક; શું છે રાષ્ટ્રીય શોક? સરકારી કચેરીઓ ખુલશે કે બંધ?
એક રસપ્રદ વાત એ છે કે જો રાહુલ ગાંધીએ આ અધ્યાદેશનો વિરોધ ન કર્યો હતો તો મોદી સરનેમના કેસમાં તેઓ પણ સજાથી બચી શક્યા હોત.