જ્યારે વાજપેયીની ટીકા પર મનમોહન સિંહે રાજીનામું આપવાનું નક્કી કરી લીધું…
આજે સમગ્ર દેશમાં શોક છવાઇ ગયો છે. દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન થયું છે. સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે અને ઘણી રાજ્ય સરકારોએ શાળા-કોલેજની રજા જાહેર કરી છે. ડૉ.મનમોહન સિંહના ઘરે પહોંચીને દેશના વરિષ્ઠ રાજનેતાઓ અને અન્ય ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમના લાંબા જાહેર જીવન વિશે ઘણી વાતો પ્રચલિત છે. આમાંથી પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહા રાવ અને અટલ બિહારી વાજપેયી સાથેના એક બે કિસ્સા મશહુર છે. આપણે એ વિશે જાણીએ.
વિપક્ષમાં હતા ત્યારે પૂર્વ પીએમ વાજપેયીએ એકવાર મનમોહન સિંહની આકરી ટીકા કરી હતી અને આ ટીકાથી મનમોહન સિંહ એટલા દુઃખી થયા હતા કે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લઇ લીધો હતો. રસપ્રદ વાત એ છે કે આ નિર્ણયને પલટાવવામાં અટલ બિહારી વાજપેયીએ જ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ ઘટના 1990ના દાયકાની છે, જ્યારે મનમોહન સિંહ તત્કાલીન પીએમ પીવી નરસિંહા રાવની સરકારમાં નાણા પ્રધાનના પદ પર હતા. તેમણે તેમનું પ્રથમ નાણાકીય બજેટ રજૂ કર્યું હતું. તત્કાલીન વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીએ બજેટની આકરી ટીકા કરી હતી. આનાથી તેમને ખૂબ જ દુઃખ થયું હતું. આ પછી મનમોહન સિંહે નાણા પ્રધાન પદ છોડવાનું એટલે કે રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું. જ્યારે નરસિંહા રાવને આ વાતની જાણ થઈ તો તેમણે અટલ બિહારી વાજપેયી સાથે ફોન પર વાત કરી.
આ પણ વાંચો ; વિદેશી રાજનેતાઓથી લઈને બૉલીવુડ સ્ટાર્સે મનમોહન સિંહનાં નિધન પર આપી શ્રદ્ધાંજલિ
જ્યારે નરસિંહા રાવે અટલને કહ્યું કે તેમની ટીકાથી દુઃખી થઈને મનમોહન રાજીનામું આપવાનું વિચારી રહ્યા હતા. આ પછી અટલ પોતે મનમોહન સિંહને મળ્યા હતા. તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેમના દ્વારા કરવામાં આવેલી ટીકા સંપૂર્ણપણે રાજકીય હતી. અટલે મનમોહન સિંહને કહ્યું હતું કે રાજકીય ટીકાને આટલું મહત્વ ન આપો. બંને નેતાઓ વચ્ચેની વાતચીતે એવો સંબંધ બનાવ્યો કે બંને ખૂબ સારા મિત્રો બની ગયા. બંને નેતાઓ વચ્ચેની આ ઉષ્મા ત્યારે પણ જોવા મળી હતી જ્યારે મનમોહન સિંહ દેશના વડાપ્રધાન બન્યા હતા.