મનમોહન સિંહનાં સ્મારક અંગેના વિવાદનો અંત આવશે! આ જગ્યાઓ પર બની શકે છે સ્મારક
નવી દિલ્હી: ભારતના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા ડૉ.મનમોહન સિંહે 26 ડિસેમ્બરના રોજ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, તેમના અવસાન બાદ ભારત સરકારે એક અઠવાડિયાના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. ડૉ.મનમોહન સિંહે દેશ માટે આપેલા યોગદાન અને તેમની સાથે જોડાયેલી યાદોને લોકો યાદ કરી રહ્યા છે. તો બીજી તરફ તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક અંગે (Dr.Manmohan Singh Memorial) રાજકારણ પણ ગરમાયું.
કોંગ્રેસે કહ્યું હતું કે જ્યાં તેમનું સ્મારક બનાવવામાં આવનાર છે, ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. નિગમ બોધ ખાતે ડૉ.મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપવાના સરકારના નિર્ણયને કોંગ્રેસે અપમાન ગણાવ્યું હતું. સરકારે જવાબ અપાતા કહ્યું કે અમે તેમના સ્મારકના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ અને આ માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવશે. આ માટે થોડો સમય લાગી શકે છે
આ સ્થળોની પસંદગી કરવામાં આવી:
એવામાં આહેવાલ મળ્યા છે કે, કેન્દ્ર સરકારની એજન્સીઓએ મનમોહન સિંહના સ્મારક માટે કામ ઝડપી બનાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ અને શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓએ કેટલીક જગ્યાઓની પસંદગી કરી છે. આ સ્થળો પર મનમોહન સિંહનું સ્મારક બનાવવામાં આવી શકે છે.
અહેવાલો અનુસાર અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાયેલા સ્થળોમાં કિસાન ઘાટ, રાષ્ટ્રીય સ્મારક અને રાજઘાટ નજીકના સ્થળોનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાઓની યાદી મનમોહન સિંહના પરિવારને પણ સોંપવામાં આપવામાં આવી છે અને તેમનો અભિપ્રાય લીધા બાદ જ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે. હાલમાં કોઈ જગ્યા નક્કી કરવામાં આવી નથી અને મનમોહન સિંહના પરિવારને વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે.
Also read: “મનમોહન સિંહ અમર રહે” પૂર્વ PM ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શરૂ
સ્મારક નિર્માણ માટે ટૂંક સમયમાં એક ટ્રસ્ટની રચના કરવામાં આવશે. ત્યારબાદ તે ટ્રસ્ટની અરજીના આધારે જ વિધિવત રીતે જમીન ફાળવવામાં આવશે અને સ્મારક બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ સ્મારકનું નિર્માણ કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ માટે ટ્રસ્ટ અને વિભાગ વચ્ચે MOU થશે.
UPA સરકારનો પ્રસ્તાવ:
2013માં તત્કાલીન UPA સરકારની કેબિનેટે એક પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ અંતર્ગત રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ જેવા હોદ્દા પર રહેલા નેતાઓની સમાધિઓ ‘રાષ્ટ્રીય સ્મારક સ્થળ’ પર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મનમોહન સિંહનું સ્મારક પણ નેશનલ મેમોરિયલ કોમ્પ્લેક્સની અંદર બની શકે છે. અહીં પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.