અલવિદા ‘મનમોહન’જીઃ 28 વર્ષ ભાડાંનું ઘર રહ્યું હતું સરનામું…
આસામથી રાજકારણમાં એન્ટ્રી કરીને આસામનું ઋણ ચૂકતે કર્યું હતું…
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હી એઇમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજકારણમાં તેમનો પ્રવેશ ભલે ‘એક્સિડેંટલ’ રહ્યો હોય પરંતુ તેમના કામ, નીતિ અને વ્યવહારથી રાજનેતા તરીકે લોકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું હતું. આસામ સાથે તેમને ખાસ સંબંધ હતો. 1991થી 2019 સુધી સતત 5 વખત આસામથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. મનમોહન સિંહ તરીકે આસામે રાજ્યમાંથી વડા પ્રધાન આપ્યા હતા. આસામાના ગુવાહાટીમાં તેમનું નિવાસ સ્થાન આવેલું છે. આસામના પૂર્વ મુખ્યમંત્રી હિતેશ્વર સૈકિયાના મકાનને તેમણે ભાડે લીધું હતું.
1991માં જ્યારે મનમોહન સિંહે રાજનીતિમાં પ્રવેશ કર્યો અને આસામથી રાજ્યસભા સાંસદ બન્યા હતા. તે સમયે કૉંગ્રેસ સરકાર હતી. 30 જુલાઈ, 2019 સુધી રાજ્યસભામાં તેમનો પાંચમો કાર્યકાળ ખતમ થવા સુધી મકાન નંબર 3889, નંદન નગર, સરોટોરિયા, ગુવાહાટી તેમનું રહેણાંક રહ્યું હતું. બાદમાં મનમોહન સિંહ અને તેમના પત્નીએ મતદાર યાદીમાં તેમનું નામ નવી દિલ્હીથી રદ કરીને આસામના દિસપુર વિસ્તારના મતદાન કેન્દ્રમાં ઉમેરાવ્યું હતું.
આસામાના પૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગીય હિતેશ્વર સૈકિયાની પત્ની હેમોપ્રવા સૈકિયાએ કહ્યું જ્યારે વડા પ્રધાન પી વી નરસિમ્હા રાવ, ડૉ. મનમોહન સિંહને રાજનીતિમાં લાવવા માંગતા હતા અને તેમને નાણાં મંત્રી બનાવવા માંગતા હતા. તે સમયે મારા પતિ આસામના સીએમ હતા, તેમણે ડૉ. મનમોહન સિંહને રાજ્યસભામાં મોકલી શકાય તેવો પ્રસ્તાવ મૂક્યો હતો.
સૈકિયાએ કહ્યું, કેટલાક એવા પણ લોકો હતા, જેમને ડૉ. મનમોહન સિંહનું આસામ આવવું પસંદ નહોતું. તેમની પાસે આસામનું કોઈ કાયમી સરનામું ન હોવાથી કોર્ટમાં પણ આ મુદ્દો લઈ જવામાં આવ્યો હતો. જે બાદ અમે 2 બીએચકે એપાર્ટમેન્ટ ભાડા પર લેવાની ઑફર કરી, જે 1991થી તેમનું સરનામું બન્યું હતું. 700 રૂપિયા ભાડું લેવામાં આવતું હતું.
આસામના રાજ્યસભા સાંસદ તરીકે મનમોહન સિંહે અનેક નવી યોજનાઓ લાગુ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી અને એક વડા પ્રધાન તરીકે આસામમાં લાંબા સમયથી ચાલી આવતી માંગ એનઆરસી અપડેટની પ્રક્રિયાને મંજૂરી આપી હતી.
સૈકિયાએ જણાવ્યું, તેઓ એક અસાધારણ વ્યક્તિ હતા. ખૂબ ઈમાનદાર હતા, જ્યારે પણ આવતા અમારી સાથે પારિવારિક વાતચીત કરતા હતા. મારા પતિના મૃત્યુ બાદ અનેક લોકોએ તેમને શાનદાર એપાર્ટમેન્ટની ઑફર કરી હતી. તેઓ જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે અનેક લોકો ટુ બીએચકે ન રાખવો જોઈએ તેવી સલાહ આપી હતી પરંતુ તેમણે કહ્યું- આસામના આ ઘરનો મારી સાથે ખાસ સંબંધ છે, હું તેને ક્યારેય બદલવા નથી માંગતો.
Also read: મનમોહન સિંહના યોગદાનને ભારત હંમેશા યાદ રાખશે: આરએસએસ
ભાડું ચેકથી જ આપતા
હેમોપ્રવા સૈકિયાએ જણાવ્યું, તેઓ હંમેશા સમયસર ભાડું ચેકથી આપતા હતા. જ્યારે તેઓ વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે ભાડાનો ચેક મોકલ્યો હતો. જેને અમે બેંકમાં જમા કરાવવાનું ભૂલી ગયા હતા. જે બાદ તેમણે એક પત્ર લખ્યો અને નવો ચેક પણ મોકલ્યો. તેઓ વડા પ્રધાનના રૂપમાં પણ એક ભાડુઆતની રીતે ખૂબ ઈમાનદાર બનીને રહ્યા હતા. નવી પેઢીના રાજનેતાઓએ ડૉ. સિંહ પાસેથી ઘણું શીખી શકે છે.
અંતિમ વખત ક્યારે આવ્યા હતા આસામ
સૈકિયાએ કહ્યું, અંતિમ વખત 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન ડૉ. મનમોહન સિંહ મતદાન કરવા આવ્યા હતા અને અમારા પરિવાર સાથે બપોરનું ભોજન કર્યુ હતું. ડૉ. સિંહ બાદ અમે આ મકાન કોઈને ભાડે આપ્યું નહોતું. હવે તેમની યાદમાં હંમેશા ખાલી રાખીશું.