તિહાર જેલમાંથી આખરે 17 મહિના પછી મનીષ સિસોદિયાને મળી આઝાદીઃ કહ્યું કેજરીવાલ પણ…
નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા લાંબા જેલવાસ બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા બહાર આવ્યા છે. દિલ્હી લિકાર પોલિસી કૌભાંડના આરોપી સિસોદિયા છેલ્લા 17 મહિનાથી તિહાર જેલમાં બંધ હતા. પરંતુ હવે તે જેલની બહાર આવી ચૂક્યા છે અને તેનું સ્વાગત કરવા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. મનીષ સિસોદિયો જેલમાંથી બહાર આવ્યા અને AAP નેતાઓને મળ્યા અને હાથ મિલાવીને જનતાનું અભિવાદન કર્યું. સુપ્રીમ કોર્ટે 6 ઓગસ્ટે તેમની જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત રાખીને તેમને જામીન આપ્યા હતા.
જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું અને ભારત માતા કી જયના નારા લગાવ્યા. આ દરમિયાન તે ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું કે, બંધારણની તાકાતથી તેમને જામીન મળ્યા છે અને માત્ર બંધારણ જ નિર્દોષ લોકોને બચાવશે. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બંધારણની તાકાતથી તેઓ પણ જલ્દી બહાર આવશે. તેમણે કહ્યું હતું કે હું બાબાસાહેબનો ઋણી છું અને તેમનું ઋણ કી રીતે ચૂકવીશ તેના મને વિચારો આવી રહ્યા છે. બાબા સાહેબે તે સમયે સ્વપ્ન જોયું હતું કે જો કોઈ તાનાશાહી સરકાર કોઈ નિર્દોષ વ્યક્તિને જેલમાં ધકેલી દે તો બંધારણ તેની રક્ષા કરશે.
મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે છેલ્લા 17 મહિનાથી હું એક જ હેલમાં નહોતો પરંતુ આપ સૌ લોકો પણ ભાવનાત્મક રીતે જેલમાં હતા. તેમણે કહ્યું હતું કે બંધારણની તાકાતથી જ અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં બહાર આવશે. જેલના તાળાં તૂટશે અને અરવિંદ કેજરીવાલ છૂટશે.
AAP સાંસદ સંદીપ પાઠકે મનીષ સિસોદિયાનું આવતીકાલ સુધીનું શેડ્યૂલ જણાવ્યું છે. તેણે કહ્યું છે કે આજે જેલમાંથી મુક્ત થયા બાદ મનીષ સિસોદિયા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે જઈને કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ અને અરવિંદ કેજરીવાલના માતા-પિતાને મળશે. ત્યાંથી તે પોતાના ઘરે જશે. ત્યારબદ આવતીકાલે શનિવારે સવારે 9.30 વાગે તેઓ રાજઘાટ જશે અને ત્યાંથી મંદિરના દર્શન કર્યા બાદ પાર્ટી કાર્યાલયમાં AAP નેતાઓ અને કાર્યકર્તાઓને મળશે.
સુપ્રીમ કોર્ટે અમુક શરતોને આધીન મનીષ સીસોદિયાને જામીન આપ્યા છે. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું, “અમને લાગે છે કે સિસોદિયાને લગભગ 17 મહિનાની લાંબી જેલની સજા અને ટ્રાયલ શરૂ ન થવાને કારણે ઝડપી ટ્રાયલના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. બેન્ચે કહ્યું, આ કોર્ટ માને છે કે ઝડપી સુનાવણીનો અધિકાર અને સ્વતંત્રતાનો અધિકાર પવિત્ર અધિકારો છે અને આ અધિકારોને નકારતી વખતે નીચલી અદાલતો તેમજ હાઈકોર્ટે આને યોગ્ય મહત્વ આપવું જોઈતું હતું.