મનીષ સિસોદિયા આ પૂર્વ ક્રિકેટરના બંગલામાં શિફ્ટ થયા, કેજરીવાલ ક્યારે નિવાસ ખાલી કરશે?

દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના રાજીનામા અને આતિશીએ નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ બાદ દિલ્હીના રાજકારણમાં ઘણા બદલાવ થઇ રહ્યા છે. આ સાથે નેતાઓના નિવાસ સ્થાન પણ બદલાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા(Manish Sisodia)એ પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે, હવે સિસોદિયા પરિવાર સાથે AAP સાંસદ હરભજન સિંહ(Harbhajan Singh) ના રાજેન્દ્ર પ્રસાદ રોડ આવેલા 32 નંબરના બંગલામાં શિફ્ટ થયા છે.
આ બંગલો AAP સાંસદ અને પૂર્વ ક્રિકેટર સિંહના નામે ફાળવવામાં આવ્યો છે. અત્યાર સુધી સિસોદિયા એબી-17માં રહેતા હતા, જે બંગલો હવે મુખ્ય પ્રધાન આતિશીના નામે ફાળવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનને EDએ સમન્સ પાઠવ્યું, ભ્રષ્ટાચારના ગંભીર આરોપ
દિલ્હી લીકર પોલિસી કૌભાંડના આરોપોમાં ઘેરાયેલા મનીષ સિસોદિયાએ પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, શિક્ષણ વિભાગનો હવાલો વર્તમાન મુખ્ય પ્રધાન આતિશીને આપવામાં આવ્યો છે. આતિશીને શિક્ષણ મંત્રાલયની કમાન મળ્યા બાદ દિલ્હી સરકારે તેમને સિસોદિયાનો સરકારી બંગલો પણ ફાળવ્યો હતો.
જો કે, આતિશીએ ત્યારે કહ્યું હતું કે સિસોદિયાની પત્ની બીમાર છે, તેથી તેઓ ઈચ્છે છે કે તેમનો પરિવાર પહેલાની જેમ એ જ ઘરમાં રહે. ત્યારથી સિસોદિયાનો પરિવાર એ જ જૂના સરનામે રહેતો હતો. ત્યારથી આતિશી તેના ખાનગી આવાસમાં રહેતી હતી. હવે આતિશીના મુખ્ય પ્રધાન બન્યા બાદ તેમને સીએમ આવાસ ફાળવવામાં આવશે, આવી સ્થિતિમાં જૂના આવાસમાંથી તેમનું નામ હટાવી દેવામાં આવશે. તેથી મનીષ સિસોદિયાએ આ ઘર ખાલી કર્યું છે.
દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે સરકારી બંગલો ખાલી કરવા જઈ રહ્યા છે. સરકારી આવાસ છોડ્યા બાદ કેજરીવાલ અને તેમનો પરિવાર 5, ફિરોઝશાહ રોડ પર શિફ્ટ થવા જઈ રહ્યા છે.