નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી (Delhi liquor policy) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ હેઠળ જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા(Manish Sisodia)એ તેમના વિધાનસભા ક્ષેત્ર પટપડગંજ(Patparganj )ના લોકોને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જલ્દી બધાને મળવાની આશા વ્યક્ત કરી છે, તેમણે લખ્યું કે જેલમાં રહીને તમારા પ્રત્યે પ્રેમ વધી ગયો છે..
મનીષ સિસોદિયાએ પત્રમાં લખ્યું છે કે, ‘જલ્દી બહાર મળીશું. છેલ્લા એક વર્ષમાં મને તમારી ખુબ યાદ આવી, આપણે બધાએ સાથે મળીને ખૂબ ઈમાનદારીથી કામ કર્યું. જેમ આઝાદી સમયે બધા લડ્યા હતા, તેવી જ રીતે આપણે સારા શિક્ષણ અને શાળાઓ માટે લડી રહ્યા છીએ.’
પત્રમાં મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે લખ્યું, ‘અંગ્રેજોને પણ તેમની તાકાત પર ખૂબ જ અભિમાન હતું, અંગ્રેજો પણ લોકો પર ખોટા આરોપ લગાવી તેમને જેલમાં ધકેલી દેતા હતા, અંગ્રેજોએ ગાંધી અને નેલ્સન મંડેલાને પણ ઘણા વર્ષો સુધી જેલમાં રાખ્યા હતા. અંગ્રેજોની સરમુખત્યારશાહી પછી પણ આપણું આઝાદીનું સ્વપ્ન સાકાર થયું.’
મનીષ સિસોદિયાએ આ પત્રમાં લખ્યું છે કે વિકસિત દેશ બનવા માટે સારું શિક્ષણ અને શાળાઓ હોવી જરૂરી છે. મને ખુશી છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં ‘શિક્ષણ ક્રાંતિ’ થઈ. પંજાબમાં પણ શિક્ષણ ક્રાંતિના સમાચાર વાંચીને મને ખુશી થાય છે. એ જ રીતે એક દિવસ દરેક બાળકને યોગ્ય અને સારું શિક્ષણ મળશે. શિક્ષણ ક્રાંતિ જિંદાબાદ, સૌને પ્રેમ.
મનીષ સિસોદિયાએ લખ્યું કે જેલમાં રહીને તમારા લોકો માટે મારો પ્રેમ વધુ વધ્યો છે. તમે લોકો મારી પ્રેરણા છો અને તમે બધા જ મારી તાકાત છો. તમે લોકોએ મારી પત્નીની ખૂબ કાળજી લીધી. તમારા બધા વિશે વાત કરતી વખતે સીમા ભાવુક થઈ જાય છે. તમે બધા તમારું ધ્યાન રાખો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના આરોપ હેઠળ છેલ્લા એક વર્ષથી જેલમાં છે. બુધવારે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને જામીન મળ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
મુક્ત થયા બાદ સંજય સિંહ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના પરિવારજનોને મળ્યા હતા. મનીષ સિસોદિયાને જામીન મળે એવી આશા છે.