બીમાર પત્નીને ગળે લગાવીને ભાવુક થયા મનીષ સિસોદીયા, કેજરીવાલે કહ્યું કે….
નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલમાં રહેલા પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા શનિવારે તેમની પત્ની સીમા સિસોદિયાને મળ્યા હતા. મનીષ સિસોદિયાએ પોતાની બીમાર પત્નીને મળવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પાસે પરવાનગી માંગી હતી. કોર્ટે શુક્રવારે સુરક્ષા કર્મચારીની હાજરીમાં તેમને સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી તેની પત્નીને મળવાની મંજૂરી આપી હતી. સિસોદિયા સુરક્ષા સાથે સવારે 10 વાગે જેલ વાનમાં મથુરા રોડ પરના તેમના ઘરે પહોંચ્યા અને મીટિંગનો સમય પૂરો થયા બાદ જેલ પરત ફર્યા. પરત ફરતી વખતે સિસોદિયા તેમની બીમાર પત્નીને મળ્યા બાદ ભાવુક દેખાતા હતા. તેમની મીટિંગનો ફોટો સીએમ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કેજરીવાલે આ તસવીરને પીડાદાયક ગણાવી છે.
અરવિંદ કેજરીવાલે એક્સ પર શેર કરેલી તસવીરમાં મનીષ સિસોદિયા પોતાની પત્ની સીમાને ગળે લગાવી રહ્યાં છે અને ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યાં છે. આ તસવીર શેર કરતા સીએમ કેજરીવાલે લખ્યું કે, આ તસવીર ખૂબ જ પીડાદાયક છે. દેશના ગરીબ બાળકોને આશા જગાવનાર વ્યક્તિ માટે શું આવો અન્યાય યોગ્ય છે? સીમા મલ્ટીપલ સ્ક્લેરોસિસથી પીડિત છે. સિસોદિયાએ તેની પત્નીને તેની બિમારીના આધારે મળવાની પરવાનગી માંગી હતી, ત્યારબાદ રાઉઝ એવન્યુ કોર્ટે તેને મળવાની શરતી પરવાનગી આપી હતી.
સિસોદિયાએ પત્નીને મળવા માટે પાંચ દિવસનો સમય માંગ્યો હતો. જોકે કોર્ટે તેમને શનિવારે સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી જ મળવાનો સમય આપ્યો હતો. કોર્ટે તેમને એ પણ સૂચના આપી હતી કે આ સમયગાળા દરમિયાન તેઓ મીડિયા સાથે વાત નહીં કરે કે કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા નહીં કરે. આ પછી મનીષ સિસોદિયાને છ કલાક માટે તિહાર જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સિસોદિયા તેમની પત્નીને મળવા માટે AB17 મથુરા રોડ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
નોંધનીય છે કે મનીષ સિસોદિયા જૂનની શરૂઆતમાં તેમની પત્નીને મળ્યા હતા. મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા આ વર્ષે 27 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 9 માર્ચના રોજ ઇડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તેઓ જેલમાં જ છે.