એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે મણિપુર: મોહન ભાગવત
નાગપુર: લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા આવી છે. નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગના બીજા સમાપન સમારોહને સંબોધતા ભાગવતે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુર છેલ્લા એક વર્ષથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. આને પ્રાથમિકતા પર ધ્યાનમાં લેવું જોઈએ. ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે કામ કરે, પરંતુ મેં કામ કર્યું એવો ગર્વ ન કરે, તે સાચો સેવક છે. સંઘ પ્રમુખના આ સંબોધનને કેન્દ્રની મોદી સરકાર માટે એક મોટા સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.
મોહન ભાગવતે કહ્યું હતું કે ચૂંટણી એ સર્વસંમતિ બનાવવાની પ્રક્રિયા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજાની ટીકા કરવી, ટેક્નોલોજીનો દુરુપયોગ કરવો અને જુઠ્ઠાણું ફેલાવવું યોગ્ય નથી. ભાગવતે કહ્યું હતું કે આપણે ચૂંટણીના જુસ્સાથી મુક્ત કરીને દેશની સામે રહેલી સમસ્યાઓ વિશે વિચારવું પડશે. લોકશાહીમાં દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે.
ભાગવતે કહ્યું હતું કે ચૂંટણી હમણાં જ પૂરી થઈ છે અને તેના પરિણામો પણ આવી ગયા છે. સરકાર પણ બની ગઈ છે આ બધું થયું, પરંતુ તેની ચર્ચા હજુ પણ ચાલુ છે. શું થયું, કેમ થયું, કેવી રીતે થયું, શું થયું? આપણા દેશની લોકશાહી વ્યવસ્થામાં દર પાંચ વર્ષે બનતી આ ઘટના છે. તેના પોતાના નિયમો છે. ઉથલપાથલ થાય છે, પરંતુ તે શા માટે એટલું મહત્વપૂર્ણ છે. સમાજે પોતાનો અભિપ્રાય આપ્યો છે, તેના પ્રમાણે બધું થશે. બીજું શું થયું તેની ચર્ચા કરવી આવશ્યક નથી.
ભાગવતે કહ્યું હતું કે મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. આ બાબતને પ્રાથમિકતાના આધારે ધ્યાનમાં લેવાની રહેશે. હજારો વર્ષોના ભેદભાવપૂર્ણ વ્યવહારે વિભાજનની ખાઈ ઊભી કરી હતી અને ગુસ્સો પણ પેદા કર્યો હતો.