Manipur Violence: ઉગ્રવાદીઓએ ડ્રોનથી બોમ્બ ફેંક્યા, 2 લોકોના મોત
Imphal: ગત વર્ષે મે મહિનાથી મણિપુરમાં શરુ થયેલી હિંસા (Violence in Manipur) હજુ પણ કાબુમાં આવી નથી. સરકારના શાંતિ સ્થપાઈ ગઈ હોવાના દાવાઓ વચ્ચે અવારનવાર છૂટક હિંસક ઘટનો બનતી રહે છે. એવામાં કુકી ઉગ્રવાદીઓને મણીપુરના ગામોમાં ડ્રોન વડે બોમ્બ ફેંક્યા હતા, જેમાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ થયા છે.
અહેવાલો અનુસાર કુકી ઉગ્રવાદીઓ દ્વારા કોત્રુક અને કડાંગબંદ ખીણમાં હુમલા કરવામાં આવ્યા હતા. પહાડીઓ પરથી બોમ્બમારો કરવામાં આવ્યો છે. આ હુમલામાં બે લોકોના મોત થયા છે, બે પોલીસકર્મી અને એક ટીવી રિપોર્ટર પણ ઘાયલ થયો હોવાના અહેવાલ છે.
કોત્રુકગામના ગામના રહેવાસીએ જણાવ્યું કે, રવિવારે બપોરે 2 વાગ્યાથી બોમ્બ ધડાકા અને ગોળીબાર શરૂ થયો હતો. આ સમયે ગામમાં અધિકારીઓ અને સ્વયંસેવકો હાજર ન હતા. જેનો લાભ લઇને અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કેટલાક ઘરોને નુકસાન થયું છે.
સતત ભય હેઠળ જીવી રહેલા સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની તમામ ખાતરીઓ છતાં તેમને કોઈ સુરક્ષા મળી નથી, તેઓ ભયના વાતાવરણમાં જીવવા મજબૂર છે.
મણિપુર સરકારે રવિવારે થયેલા હુમલાની નોંધ લીધી છે અને તેની સખત નિંદા કરી છે. સરકારે માહિતી આપી છે કે હુમલા દરમિયાન અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉગ્રવાદીઓ પાસે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ પણ હતા.
હિંસા બાદ જિલ્લામાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.