
ઇમ્ફાલ: હિંસાની આગમાં ભડકે બળ્યા બાદ મણિપુરમાં લાગુ કરવામાં આવેલ રાષ્ટ્રપતિ શાસન હટાવી લીધા ફરી એકવાર રાજ્યમાં હિંસા જોવા મળી હતી. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનના શપથગ્રહણ દરમિયાન જ સુરક્ષા દળો અને ટોળાં વચ્ચે હિંસા થઈ હતી. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે આંસુ ગેસના ગોળા ફેંક્યા હતા. તાજેતરમાં જ મણિપુરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટયું છે અને યુમનામ ખેમચંદના નેતૃત્વમાં નવી સરકારની રચના કરવામાં આવી છે.
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવ્યા અને વાય. ખેમચંદ સિંહની નવી સરકારની રચનાના માત્ર 24 કલાક બાદ ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. ચુરાચંદપુરમાં રસ્તા પર ઉતરેલા કુકી જૂથોએ તેમના સમુદાયના ધારાસભ્યોને મણિપુર સરકારની રચનામાં ભાગ ન લેવા માટે ચેતવણી આપી છે. આ સાથે જ તેમણે ચુરાચંદપુરમાં સંપૂર્ણ બંધ પાળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન અનેક સ્થળોએ ગોળીબારની ઘટનાઓ પણ બની છે. Joint Front 7 દ્વારા કુકી-ઝો વિસ્તારોમાં 12 કલાકના બંધનું એલાન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો…મણિપુરના નવા મુખ્ય પ્રધાનનો ટાયેકવૉન્ડોની રમત સાથે શું સંબંધ છે, જાણો છો?
હકીકતમાં, ખેમચંદ સરકારમાં કુકી-ઝો સમુદાયના ધારાસભ્ય નેમચા કિપગેન ડેપ્યુટી સીએમ બનવા અને અન્ય બે ધારાસભ્યોના સમર્થનને કારણે સમગ્ર સમુદાયમાં નારાજગી જોવા મળી રહી છે. રાજ્યના ચુરાચાંદપુર જિલ્લામાં નવી સરકારને લઈને વિરોધ પ્રદર્શન થયા હતા, ત્યારબાદ તુઈબોંગ વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. આખો દિવસ સ્થિતિ ગંભીર રહી હતી, જેના કારણે પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે વિસ્તારમાં સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.



