મણિપુરમાં ત્રણ આતંકીની ધરપકડ, હથિયારો જપ્ત

ઇમ્ફાલઃ મણિપુરમાં સુરક્ષા દળોએ છેલ્લા ૨૪ કલાકમાં વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમાંથી બે પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. આ જાણકારી પોલીસે ગુરુવારે આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ બુધવારે ટેંગનોપાલ જિલ્લામાંથી પીઆરઇપીએકે(પ્રો)ના સભ્ય લૈશરામ તોમ્બા સિંહ(૨૭) અને કાંગલેઇ યાવોલ કન્ના લુપના કેડર યુમનામ રોશન મેઇતેઇ(૩૩)ની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: મણિપુરના બે જિલ્લામાંથી નવ આતંકીઓની ધરપકડ
પોલીસે જણાવ્યું કે તેમની પાસેથી એક ૫.૫૬ એમએમ લાઇટ મશીનગન(એલએમજી), ત્રણ એલએમજી મેગેઝિન, એક એલએમજી મેગેઝિન ડ્રમ, ૫.૫૬ એમએમ દારૂગોળાના ૧૯૪ રાઉન્ડ, એક ૭.૬૨ એમએમ એકે-૫૬ રાઇફલ, બે એકે મેગેઝિન, ૭.૬૨ એમએમ દારૂગોળાના ૧૨૫ રાઉન્ડ અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
એક અલગ કાર્યવાહીમાં પોલીસે પ્રતિબંધિત સોશિયાલિસ્ટ રિવોલ્યુશનરી પાર્ટી(એસઓઆરઇપીએ)ના સક્રિય સભ્ય સલામ બ્રોજેન સિંહ(૪૭)ની બિષ્ણુપુર જિલ્લાના સંદંગખોંગ ખાતેથી ધરપકડ કરી હતી. તેના પર કથિત રીતે સરકારી અધિકારીઓને ખંડણી અને ધમકીઓ આપવામાં સામેલ હોવાનો આરોપ હતો.
પોલીસે જણાવ્યું હતું કે અધિકારીઓએ એસઓઆરઇપીએના નામે જારી કરાયેલા આઠ માંગ પત્રો અને બિષ્ણુપુર જિલ્લાની ૩૮ શાળાઓની યાદી તેમની પાસેથી જપ્ત કરી હતી.