Manipur Violence: મણિપુર પોલીસના કમાન્ડોએ ‘હથિયાર નીચે’ મુક્યા, જાણો શું છે કારણ

ઇમ્ફાલ: મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમમાં ગઈ કાલે એક મેઇતેઇસ સમુદાયના સશસ્ત્ર ટોળાએ વરિષ્ઠ પોલીસ અધિકારી અમિત કુમારના ઘર પર હુમલો કરી તેમનું અપહરણ કર્યું હતું. સુરક્ષા દળોએ સંયુક્ત અભિયાન ચલાવી તેમને સલામત રીતે બચાવ્યા હતા. પરંતુ મણિપુર પોલીસ કમાન્ડો રાજ્ય સરકાર સામે રોષે ભરાયા છે. ઇમ્ફાલમાં પોલીસ અધિકારીઓએ ‘હથિયાર નીચે’ મૂકીને પ્રતીકાત્મક વિરોધ કર્યો હતો.
એક વિડિયોમાં ઇમ્ફાલના ડઝનેક પોલીસ કમાન્ડો તેમના યુનિટના એક કમ્પાઉન્ડમાં તેમના શસ્ત્રો નીચે મુકતા જોવા મળે છે. એક અધિકારીના જણાવ્યા મુજબ “…કમાન્ડો રાજ્ય સરકારથી નારાજ છે કે સરકારે તેમને સશસ્ત્ર હુમલાખોરોનો સામનો કરવા માટે પુરતી છૂટ નથી આપી.”
જોકે રાજ્યના પોલીસ વિભાગે આ અંગે કોઈ માહિતી આપી નથી. અહેવાલો મુજબ પોલીસના નિવેદનમાં અપહરણ પાછળ જબદાર જૂથનું નામ આપવામાં આવ્યું નથી. સુત્રોએ જણાવ્યું હતું કે પોલીસ અધિકારીના અપહરણ પાછળ કટ્ટરપંથી મેઇતેઈ સંગઠનનો હાથ હતો. અધિકારીનું અપહરણ કેમ કરવામાં આવ્યું તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અહેવાલો મુજબ અરામબાઈ ટેન્ગોલ જૂથના કેટલાક સભ્યોની અગાઉ શસ્ત્રો અને વાહનોની ચોરી કરવા બદલ અટકાયત કરવામાં આવી હતી, જેનો બદલો લેવા અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ મુજબ અરામબાઈ ટેન્ગોલના સભ્યો પર હત્યા, સુરક્ષા દળો પર હુમલા, ખંડણી, આગચંપી વગેરેનો આરોપો છે. કુકી જૂથોનું કહેવું છે આ જૂથને રાજકારણીઓનું સમર્થન છે.
અરામબાઈ ટેન્ગોલે ગયા મહિને 38 રાજ્યના વિધાનસભ્યો અને અન્ય મેઇતેઈ રાજકારણીઓને “મણિપુરની અખંડિતતા” ના રક્ષણ માટે શપથ લેવા માટે બોલાવ્યા હતા. રાજ્ય સરકારને સમર્થન ન આપવા બદલ ત્રણ વિધાનસભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે કોઈ વિધાનસભ્યએ ફરિયાદ નોંધાવી નથી.
મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી શરુ થયેલી વંશીય હિંસામાં 200 લોકો માર્યા ગયા છે અને 50,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા. વંશીય હિંસા અરાજકતામાં પરિણમી છે.