નેશનલ

મણિપુરમાં પોલીસ ચોકીમાંથી લૂંટાયેલા નવમાંથી આઠ હથિયારો જપ્ત…

ઇમ્ફાલઃ મણિપુરના મુખ્ય પ્રધાન બીરેન સિંહે રાજીનામું આપ્યા પછી મણિપુરમાં શાંતિ માટે પ્રશાસન દ્વારા મહત્ત્વના પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં સુરક્ષા દળોએ મણિપુરના થોબલ જિલ્લામાં ઇન્ડિયા રિઝર્વ બટાલિયન(આઇઆરબી) પોસ્ટમાંથી લૂંટાયેલા નવમાંથી આઠ શસ્ત્રો જપ્ત કર્યા હોવાનું જણાવ્યું હતું.

Also read : હિંસાથી હેરાન મણિપુરનું સૂકાન કોને? આ નેતા તો તંબુ તાણી બેસી ગયા છે

નિવેદનમાં જણાવ્યા અનુસાર જિલ્લાના નગામુખોંગ તળેટીમાં સર્ચ ઓપરેશન દરમિયાન ત્રણ એકે અને પાંચ એસએલઆર સહિત શસ્ત્રો મળી આવ્યા હતા ત્યાર બાદ બીજા એક ઓપરેશનમાં પ્રતિબંધિત સંગઠન કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટીના એક ઠેકાણાનો પણ પર્દાફાશ કર્યો હતો.

પોલીસે નિવેદનમાં જણાવાયું છે કે શનિવારે રાત્રે થૌભલ જિલ્લાના કાકમાચઇ ખાતે લગભગ ૩૦ સશસ્ત્ર બદમાશોએ અત્યાધુનિક હથિયારોથી સજ્જ પોલીસ(આઇઆરબી) ચોકીમાં ઘૂસીને ચોકી પર તૈનાત પોલીસ કર્મચારીઓ પર કબજો જમાવીને હુમલો કર્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

તેમાં જણાવાયું છે કે સશસ્ત્ર બદમાશો પોસ્ટ પરથી છ એસએલઆર અને ત્રણ એકે સહિત નવ હથિયારો લૂંટીને ભાગી ગયા હતા. સુરક્ષા કર્મચારીઓએ એક બદમાશની અટકાયત કરી હતી. જેની ઓળખ હિજામ નિગથેમ સિંહ(૪૯) તરીકે થઇ હતી. જેની ઓળખ પાછળથી કેસીપીના સભ્ય તરીકે થઇ હતી.

વધુ તપાસ અને વિવિધ સ્થળોએ સતત શોધખોળ કામગીરી દરમિયાન પોલીસે રવિવારે નગામુખોંગ તળેટી વિસ્તારમાંથી લૂંટાયેલા નવ હથિયારોમાંથી ત્રણ એકે અને પાંચ એસએલઆર જપ્ત કર્યા હતા.

Also read : Arvind Kejriwal ખેલી શકે આ મોટો રાજકીય દાવ, ભાજપના ધારાસભ્યે વ્યક્ત કરી સંભાવના

આ ઉપરાંત સુરક્ષા દળોએ થૌભલ જિલ્લાના નિન્ગેલ, માલોમ, તૌબુલ અને લેંગથેલમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે દરમિયાન લેંગથેલ ચિંગખોંગ વિસ્તારમાં કેસીપીના એક ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. આ ગુપ્ત ઠેકાણામાંથી ઇન્સાસ અને એકે કારતૂસ, ૧૧ હેન્ડ ગ્રેનેડ, એક ૯એમએમ પિસ્તોલ, બુલેટ-પ્રૂફ જેકેટ અને અન્ય સામાન મળી આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button