ઇમ્ફાલ: મણિપુરમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસા વધુ ભડકી છે. મણિપુર હિંસાને લઈને કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ. તેવા સમયે મણિપુરની ભાજપ સરકારને એક ઝટકો લાગ્યો છે. મણિપુરમાં નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP)એ ભાજપને આપેલું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરતા રાજ્યની સરકાર પર પરોક્ષ રીતે સંકટ ઊભું કર્યું છે. NPPએ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને સમર્થન પરત લેવાનું એલાન કર્યું છે.
આ પણ વાંચો : Manipur Violence: મણિપુરમાં હિંસા બેકાબુ, કેન્દ્ર સરકાર ચિંતિત, DG CRPF મણિપુર જવા રવાના
પરિસ્થિતિ પર અંકુશ કરવામાં સીએમ નિષ્ફળ
NPPએ મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ પર રાજ્યમાં બગડતી પરિસ્થિતિને સંભાળવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે મણિપુરની સ્થિતિ પર અધિકારીઓ સાથે બેઠક કરી અને શાંતિ સુનિશ્ચિત કરવા પગલાં લેવાનો નિર્દેશ આપ્યો. જો કે NPPએ સમર્થન પાછું ખેંચી લીધા પછી પણ સરકાર સુરક્ષિત છે કારણ કે NPP મણિપુરમાં ભાજપ સાથે ગઠબંધનમાં નથી. ચૂંટણી બાદ તેમણે બહારથી સમર્થન આપ્યું હતું.
સરકાર પર પડશે નહીં કોઇ અસર
નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) એ બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મણિપુરમાં ભાજપની આગેવાની હેઠળની સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે. મણિપુરની 60 વિધાનસભા બેઠકો પર ભાજપ પાસે 32 ધારાસભ્યોની પૂર્ણ બહુમતી છે. NPPનું સમર્થન પાછું ખેંચવાની સરકાર પર કોઈ અસર નહીં થાય. NPP પાસે 7 ધારાસભ્યોનું સંખ્યાબળ છે.
આ પણ વાંચો : Manipur Violence: કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, મલ્લિકાર્જુન ખડગેએ કર્યો આ કટાક્ષ
કેન્દ્ર સરકાર એક્શનમાં
મણિપુરમાં દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસા વધુ ભડકી છે. આ વખતે સ્થિતિ વધુ વણસી છે, કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ અને AFSPA ને ફરી વખત લાગુ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા અને એ મુજબ પગલા ભરવા સૂચનો આપવા માટે DG CRPF અનિશ દયાલને પણ મણિપુર મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રમાં પોતાની તમામ રેલીઓ રદ્દ કરી દીધી છે, તેઓ નાગપુરથી દિલ્હી પરત ફર્યા છે.