મણિપુરમાં હિંસાની આગ ઓલવાઈ નથી રહી, કાંગપોકપી જીલ્લામાં બે સમુદાયો વચ્ચે ગોળીબાર
ઇમ્ફાલ: લોકસભા ચૂંટણી(Loksabha Election)ના પ્રચાર દરમિયાન એક રેલીને સંબોધતા વડા પ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારના સમયસર હસ્તક્ષેપને કારણે મણિપુર(Manipur)ને બચાવી લેવામાં આવ્યું હતું. પરંતુ મણિપુરમાં છેલ્લા એક વર્ષ જેટલા સમયથી ચાલી રહેલી હિંસા અટકી નથી રહી, આજે રવિવારે પણ મેતેઈ અને કુકી સમુદાયોના સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબાર(Meitei-Kuki Conflict) થયો હતો.
મણિપુર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે “હથિયારબંધ લોકોના ટોળાએ કાંગપોકપી જિલ્લામાં ઇમ્ફાલ ખીણની પરિઘ પર આવેલા કૌટ્રુક ગામ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો ત્યારે બાદ અથડામણ શરુ થઇ હતી.”
અહેવાલો મુજબ કેટલીક ગોળીઓ ગામના ઘરોની દિવાલોને આરપાર નીકળી ગઈ હતી, અધિકારીના જણાવ્યા મુજબ ગામના બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને નજીકના સલામત વિસ્તારોમાં ખસેડવામાં આવી રહ્યા છે.
અહેવાલ મુજબ સ્થાનિક રીતે બનાવેલા મોર્ટાર શેલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અધિકારીએ જણવ્યું કે આ પ્રારંભિક હુમલો થયા બાદ કૌટ્રુકમાં ગામના લોકોએ તરફથી બદલો લેવા વળતો ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેને કારણે તણાવ વધ્યો હતો. સ્થિતિને કાબુમાં લાવવા માટે સુરક્ષા દળોને વિસ્તારમાં પહોંચ્યા હતા.
ગયા વર્ષે 3 મેના રોજ રાજ્યમાં વંશીય હિંસા ફાટી નીકળ્યા બાદથી, કૌટ્રુકે ગામ બંને પક્ષોના લોકો વચ્ચે લડાઈનું મેદાન બની ગયું છે. આ ગામને સુરક્ષા દળોએ “સૌથી વધુ સંવેદનશીલ વિસ્તારો”ની કેટેગરીમાં રાખવામાં રાખ્યું છે.
ગત વર્ષે ૩જી મે ના રોજ સંઘર્ષ શરુ થયા બાદથી રાજ્યમાં 200 થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.
હજુ એક દિવસ પહેલા રાજ્યના બિષ્ણુપુર જિલ્લામાં થયેલા એક હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના બે સૈનિકો માર્યા ગયા હતા. અજાણ્યા હુમલાખોરોએ CRPF ચોકી પર ગ્રેનેડ ફેંક્યા હતા.
વિપક્ષના જણાવ્યા મુજબ આ ઘટનાઓ જોતા વડા મોદીએ મણિપુરમાં શાંતિ સ્થાપવાના દાવા પોકળ સાબિત થયા છે.