ઇમ્ફાલઃ મણિપુરના મુખ્યપ્રધાન એન બીરેન સિંહે 3 મે, 2023થી થઈ રહેલી હિંસા માટે રાજ્યના લોકોની માફી માંગી છે. તેમણે મણિપુરના તમામ વર્ગોને ભવિષ્યમાં શાંતિ અને સદ્ભાવના માટે પ્રયાસ કરીને નવા વર્ષમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. ઇમ્ફાલમાં તેમના નિવાસ સ્થાન પર સરકારના વિકાસ કાર્યો, ઉપલબ્ધિ તેમજ આગામી વર્ષોની યોજનાની ચર્ચા પર વાત કરતી વખતે ઉપરોક્ત અપીલ કરી હતી.
પત્રકાર પરિષદ દરમિયાન બીરેન સિંહે જાહેરાત કરી કહ્યું, હવાઇ યાત્રા માટે મોંઘા ભાડાની સમસ્યા સમાપ્ત કરવા માટે મણિપુર સરકાર સસ્તા ભાડા પર એલાયંસ એર સેવા શરૂ કરશે. આ અંતર્ગત પ્લેનનું ભાડું 5000 રૂપિયાથી વધારે નહીં હોય. મણિપુર સરકાર હવાઇ યાત્રા માટે પેસેન્જર્સને સબસિડી આપશે. હવાઇ સેવા ઇમ્ફાલ-ગુવાહાટી, ઇમ્ફાલ-કોલકાતા અને ઇમ્ફાલ-દીમાપુર રૂટ પર સપ્તાહમાં બે વખત ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: મણિપુરમાં સ્ટારલિંકના ડિવાઈસના ઉપયોગ અંગે ખળભળાટ; ઈલોન મસ્કે સ્પષ્ટતા કરી
આ ઉપરાંત તેમણે જણાવ્યું, મણિપુર આંતરિક અને બાહ્ય બંને પ્રકારે ઘૂસણખોરોનો સામનો કરી રહ્યું છે. સરાકર જરૂરી ઈનર લાઇન પરમિટ વગર રાજ્યમાં પ્રવેશ કરતાં ગેરકાયદે મુસાફરોની ઓળખ શરૂ રાખવાનો પ્રયાસ કરી રહી છે. આવા પ્રવાસીઓને ઝડપવા બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ છે. આધાર લિંક્ડ બર્થ રજિસ્ટ્રેશન 1 જાન્યુઆરી, 2025થી શરૂ થશે. પ્રથમ તબક્કામાં ત્રણ જિલ્લામાં આ સમસ્યા લાગુ કરવામાં આવશે અને તેને 15 જાન્યુઆરીથી લૉન્ચ કરવામાં આવશે. બર્થ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે અને દર 5 વર્ષે તેને અપડેટ કરાવવું પડશે.
આ વ્યવસ્થા મણિપુરના કેટલાક જિલ્લામાં મતદાર યાદીમાં મતદારોની સંખ્યામાં 420 ટકાનો વધારો થયો હોવાથી તેની ભાળ મેળવવા લાગુ કરવામાં આવી છે. મણિપુરમાં શાંતિ જાળવી રાખવા કુલ 2058 વિસ્થાપિત પરિવારોને તેમના મૂળ મકાનમાં પુનઃવસવાટ કરાવવામાં આવ્યો છે. જેમાં ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, કાંગપોકપી અને ચુરાચાંદપુર વિસ્તાર સામેલ છે. આ ઉપરાંત મણિપુરના રાષ્ટ્રીય રાજમોર્ગો પર હિંસાને રોકવા માટે સરકારે ક્રમશઃ એનએચ-2 (ઈમ્ફાલ-દીમાપુર), એનએચ-37 (ઇમ્ફાલ-સિલવર વાય જિરીબામ) પર સુરક્ષાકર્મીઓની 17 અને 18 વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સીએમ બીરેન સિંહે જણાવ્યું, ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને રાજ્ય પોલીસના જવાન રાષ્ટ્રીય જનમાર્ગોની સુવિધામાં લાગ્યા છે.