બજારમાંથી ક્યાં ગઈ રૂ. 10, 20 અને 50ની નોટ? RBI પર લગાવ્યા આવા આક્ષેપો… જાણો શું છે આખો મામલો?

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? માર્કેટમાંથી 10,20 અને 50 રૂપિયાની નોટ ગૂમ થઈ રહી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે અને લોકો આ નોટોની અછત હોવાની ફરિયાદ પણ કરી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે નાના મૂલ્યોની નોટની અછતનો મુદ્દો આગળ કરીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પર આક્ષેપ કર્યો છે કે આરબીઆઈ દ્વારા આ નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં તેમણે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણને પત્ર લખીને આની ફરિયાદ કરતાં લખ્યું છે કે નાના મૂલ્યોની નોટની અછતને કારણે ગ્રામીણ અને શહેરમાં રહેતા નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો : આટલા હજાર કરોડના મુલ્યની રૂ.2,000 નોટો હજુ પણ લોકો પાસે, RBIએ આપી માહિતી

ટાગોરે પોતાના પત્રમાં આ તંગીને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માગણી પણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાણાંકીય વર્ષ 2023-24માં ચલણમાં રહેલી 500 રૂપિયાની કુલ મૂલ્યની નોટનો હિસ્સો માર્ચ, 2024 સુધી 86.5 ટકા જેટલો હતો. 31મી માર્ચ, 2024 સુધી 500 રૂપિયાની કુલ 5.16 લાખ નોટ ચલણમાં હતી, જ્યાકે 2.49 લાખ 10 રૂપિયાની નોટ બીજા સ્થાને હતી. આરબીઆઈ દ્વારા નાણાકીય વર્ષ 2023-24માં નોટ છાપવા પર 5,101 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જેની સામે 2022-23માં આ માટે 4,682 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
વાત કરીએ તો મણિકમ ટાગોરની તો તેઓ તમિલનાડુના વિરુધુનગર મતવિસ્તારના કોંગ્રેસના સાંસદ છે. પત્રમાં તેમણે એવું પણ જણાવ્યું છે કે ઓછા મૂલ્યની ચલણી નોટની અછતથી નાના વેપારી, સ્ટ્રીટ વેન્ડર અને દાડિયા મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમણે નાણાં પ્રધાનને તાત્કાલિક આ સમસ્યાનો નિવેડો લાવવા માટે યોગ્ય પગલાં લેવાની માગણી પણ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 10 રૂપિયાની 1000 નોટ છાપવા માટે આરબીઆઈને 960 રૂપિયાનો ખર્ચ આવે છે. એ જ રીતે 20 રૂપિયાની 1000 નોટ છાપવા માટે 950 રૂપિયાનો ખર્ચ આવે છે. આ રીતે અલગ અલગ મૂલ્યની નોટ છાપવા માટે અલગ અલગ ખર્ચ આવે છે. આરબીઆઈ દ્વારા આ માહિતી આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતી હેઠળ આપવામાં આવી હતી.