Happy Birthday: દેશની સૌથી મજબૂત મહિલા સામે જંગે ચડી અને રાજકીય કારકિર્દી બનાવી આ મહિલા નેતાએ
એક સમય હતો જ્યારે આખો દેશ ઈન્દિરા ગાંધીની ધાકથી ડરતો અને કૉંગ્રેસના તો શું અન્ય પક્ષના નેતાઓ તેમની સામે જંગ લડવાની ડરતા. વિશ્વમાં ભારતના પહેલાં અને એક માત્ર મહિલા વડાં પ્રધાનનો ડંકો વાગતો. એક તો જવાહરલાલ નહેરુના દીકરી અને બીજાં પોતાની જાતને મજબૂતાઈથી રાજકીય વિશ્વમાં સ્થાપિત કરતા ઈન્દિરા સામે માથું ઉંચકવું સહેલું પણ ન હતું.
જોકે કહેવાય છે કે આવી વ્યક્તિનો હરીફ તેમના પોતાનામાંનો જ એક હોય અને ગાંધી પરિવારમાં પણ આમ જ બન્યું. ઈન્દિરા ગાંધીના મોટા પુત્રની પત્ની મેનકા ગાંધીએ ઈન્દિરાને જ હરીફાઈ આપી અને તેમનાંથી અલગ થઈ પોતાની ઓળખ બનાવી. આ મેનકા ગાંધીનો આજે જન્મદિવસ છે.
આજના દિવસે 1956માં દિલ્હીના શીખ પરિવારમાં જન્મેલી મેનકા મોડેલ હતી અને તેની એક તસવીર જોઈને જ સંજય ગાંધી તેમના પ્રેમમાં પડી ગયેલા. આ પ્રેમ લગ્નમાં પરિણમ્યો અને 1974માં બન્નેના લગ્ન થયા.
ત્યારબાદ કટોકટી જાહેર થઈ અને કૉંગ્રેસ ડગમગી ત્યારે સંજય-મેનકાનો ઉદય થયો. સંજયની રણનીતી અને મેનકાની સૂર્યા પત્રિકાએ 1980માં કૉંગ્રેસને પાછી સત્તા પર લાવી, પણ એ જ વર્ષે સંજય ગાંધીનું પ્લેનક્રેશમાં મોત થઈ ગયું. સંજયના મોત બાદ સાસુ ઈન્દિરા અને વહુ મેનકા વચ્ચેની તિરાડ વધી અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેનકા 23 વર્ષની હતી ત્યારે ઈન્દિરાએ તેમને અલગ કરી દીધી અને દીકરા વરૂણની જવાબદારી મેનકા પર આવી. મેનકાએ મેગેઝિનમાં લખવાનું શરૂ કર્યું ત્યારબાદ સંજય રાષ્ટ્રીય મંચ નામે પક્ષ બનાવ્યો. રાજીવ ગાંધી સામે અમેઠીમાં ચૂંટણી લડ્યા પણ હાર્યા, ત્યારબાદ તેમણે પોતાનો પક્ષ જનતા દળમાં વિલિન કર્યો અને પહેલીવાર સાંસદ બન્યાં.
1992માં પિપલ્સ ફોર એનિમલ્સ નામની સંસ્થા સ્થાપી અને મૂંગા જીવો માટે કામ કર્યું. સર્કસથી માંડી ફિલ્મોમાં પ્રાણીઓના ઉપયોગ પર તેમણે પ્રતિબંધ મૂકાવ્યો. 2004માં ભાજપમાં જોડાયા ને પીલીભીતથી છ વાર સાંસદ બન્યા. જોકે ગઈ ચૂંટણીમાં તેમને આ મત વિસ્તાર ન મળતા તેઓ સુલ્તાનપુરથી ચૂંટણી લડ્યા અને હાર્યા. મેનકા ગાંધી સ્પષ્ટ વક્તા હોવાથી ઘણીવાર ચર્ચામાં રહે છે.
Also Read –