મંડ્યા હિંસા કેસમાં મોટી કાર્યવાહી, નાગમંગલા પોલીસ સ્ટેશનના SHO સસ્પેન્ડ

બેંગલૂરુઃ કર્ણાટકના નાગમંગલામાં ભગવાન ગણેશના વિસર્જન દરમિયાન બે જૂથો વચ્ચે થયેલી અથડામણના સંબંધમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને આ મામલે 52 લોકોની ધરપકડ કરી છે. આ મામલે હવે નાગમંગલા પોલીસ સ્ટેશનના SHO સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નાગમંગલામાં ગણેશના વિસર્જન દરમિયાન બે સમુદાય વચ્ચે અથડામણ થઇ હતી. બંને જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. અથડામણ બાદ ટોળાએ ઘણી દુકાનો અને વાહનોને નિશાન બનાવી તોડફોડ કરી હતી, વાહનોને આગ ચાંપી હતી અને ક્રૂડ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે તંગદિલી સર્જાઈ હતી. પોલીસે ભીડને વિખેરવા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા હળવો બળપ્રયોગ પણ કર્યો હતો. દરમિયાન ગણેશ વિસર્જન કરી રહેલા રહેલા યુવાનોના એક જૂથે પોલીસ સ્ટેશન નજીક વિરોધ કર્યો હતો અને હિંસા માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.
હાલમાં અહીં પરિસ્થિતિ શાંતિપૂર્ણ હોવા છતાં, સાવચેતીના પગલા તરીકે વધારાના પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને 14 સપ્ટેમ્બર સુધી આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે, જેમાં ચારથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કર્ણાટકના માંડ્યામાં ગણપતિ શોભાયાત્રા પર પથ્થરમારો, વિસ્તારમાં તણાવનો માહોલ
દરમિયાન મંડ્યાની અશાંતિની ઘટનાને લઇને કેન્દ્રીય પ્રધાન અને કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામીનું નિવેદન પણ સામે આવ્યું છે. કુમારસ્વામીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું માંડ્યા જિલ્લાના નાગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાની સખત નિંદા કરું છું. એક ખાસ સમુદાયના બદમાશોએ જાણીજોઈને ભગવાન ગણપતિના વિસર્જનમાં શાંતિપૂર્ણ રીતે ચાલતા ભક્તોને નિશાન બનાવીને હંગામો મચાવ્યો હતો અને પોલીસ અને સામાન્ય લોકો પર પથ્થરો અને ચપ્પલ ફેંક્યા હતા, પેટ્રોલ બોમ્બ ફોડ્યા હતા અને તલવારો લહેરાવી હતી. શહેરમાં શાંતિ અને વ્યવસ્થાની નિષ્ફળતાનો આ પુરાવો છે, જેની મને ગંભીર ચિંતા છે.