Shimla બાદ હવે મંડીમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઇને વિરોધ પ્રદર્શન, રોડ પર ઉતર્યા લોકો…

મંડી : હિમાચલ પ્રદેશમાં શિમલાની(Shimla)સંજૌલી મસ્જિદનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યારે હવે મંડીમાં પણ મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને હોબાળો શરૂ થયો છે. જેમાં શુક્રવારે મોટી સંખ્યામાં હિંદુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેનો વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓ મસ્જિદ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ મોટી સંખ્યામાં હાજર પોલીસ તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : Shimla Protest: સંજૌલી મસ્જિદના ગેરકાયદે બાંધકામને મામલે ભીડ બેકાબૂ, પોલીસે લાઠીચાર્જ કર્યો
દેખાવકારોને કાબૂમાં લેવાના પ્રયાસો
મંડી શહેરના સાત વોર્ડમાં વહીવટીતંત્ર દ્વારા કલમ 163 લાગુ કરવામાં આવી હોવા છતાં પ્રદર્શનકારીઓ સવારે 11 વાગ્યાથી સેરી મંચ પાસે એકઠા થવા લાગ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. પોલીસતંત્રએ વિવાદિત મસ્જિદ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. જ્યારે વિરોધીઓ મસ્જિદ સ્થળ તરફ કૂચ કરવા માટે બેરિકેડ પર ચઢી ગયા, ત્યારે પોલીસે તેમને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો. આ દેખાવકારોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. મંડીના ડીસી અને એસપી પણ સ્થળ પર હાજર છે. દેખાવકારોને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શું છે સમગ્ર મસ્જિદ વિવાદ ?
મંડી શહેરના જેલ રોડ પાસે આવેલી આ મસ્જિદ લગભગ ત્રણ દાયકા જૂની છે. મસ્જિદની સામે જાહેર બાંધકામ વિભાગની જમીન પર ગેરકાયદે રીતે મસ્જિદની સુરક્ષા દિવાલ બનાવવામાં આવી છે. જેને લઈને સ્થાનિક લોકો નારાજ છે. શિમલાના સંજૌલીમાં પ્રદર્શનને જોતા મુસ્લિમ સમુદાયના લોકોએ ગુરુવારથી મંડીમાં મસ્જિદની ગેરકાયદે સુરક્ષા દિવાલ તોડવાનું શરૂ કર્યું. આ અંગેનો મામલો મ્યુનિસિપલ કોર્પોરેશન મંડી કોર્ટમાં પેન્ડિંગ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટે શુક્રવારે આ કેસનો ચુકાદો આપતાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. આ સંદર્ભે મુસ્લિમ પક્ષને એક મહિનામાં અપીલ કરવાનો સમય આપવામાં આવ્યો છે.