નવી દિલ્હી: માનસી પારેખ આજે એક એવું નામ બની ગયું છે જેણે ફક્ત ગુજરાતી ફિલ્મોમાં જ નહીં, પરંતુ હવે હિંદી ફિલ્મોમાં પણ પોતાનું નામ રોશન કરી આખા ગુજરાતી સમાજને ગૌરવ અપાવ્યું છે અને મંગળવારે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ મેળવીને આ ગૌરવમાં અનેકગણો વધારો કરી દીધો હતો.
મંગળવારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં યોજવામાં આવેલા સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે માનસીને ‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કોઇપણ કલાકાર માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળવો એ અન્ય કોઇપણ એવૉર્ડ કરતાં મોટું સન્માન ગણાય છે અને આ ક્ષણ કોઇપણ કલાકાર માટે ખૂબ જ ખૂબ જ લાગણીસભર હોય છે.
માનસી માટે પણ આ મોમેન્ટ જીવનની સૌથી કિંમતી ક્ષણોમાંની એક હતી અને એટલા માટે જ એવૉર્ડ સ્વીકાર કરતી વખતે તે ભાવુક થઇ ગઇ હતી અને પોતાના આંસુ રોકી શકી નહોતી. જોકે, માનસીને રોતી જોઇને રાષ્ટ્રપતિએ જે કર્યું, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
માનસીને ભાવુક થતા જોઇ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેને સાંત્વના આપતા તેના ખભા ઉપર હાથ મૂક્યો હતો અને તેની હિંમત વધારી તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. રાષ્ટ્રપતિ જેવા પદ પર બિરાજમાન વ્યક્તિ કોઇ કલાકારને આ રીતે શાંત પાડતા હોય એ જોઇને લોકોએ પણ આ વીડિયો ખૂબ શેર કર્યો હતો. વીડિયોની નીચે કોમેન્ટ્સમાં લોકોએ માનસીના તેમ જ રાષ્ટ્રપતિ મુર્મૂએ દાખવેલી પ્રતિક્રિયાના ખૂબ વખાણ કર્યા હતા.