ટ્રેનના પૈડા નીચે છુપાઈને પ્રવાસ કરી રહ્યો હતો યુવક, કારણ પૂછતાં કર્યો એવો ખુલાસો કે…

મધ્ય પ્રદેશના જબલપુરથી એક એવી ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે કે જેના વિશે સાંભળીને તમે ખુદ ચોંકી ઉઠશો અને એનાથી પણ વધારે તમારા રૂંવાડા ઊભા થઈ જશે. અહીં એક યુવકે 250 કિલોમીટરની મુસાફરી ટ્રેનના નીચે પૈડાં વચ્ચે છુપાઈને કરી હતી. જોકે, આરપીએફ દ્વારા આ યુવકની અટક કરવામાં આવી છે અને તેણે કેમ આવું કર્યું એ વિશે તપાસ કરાઈ રહી છે.
આ પણ વાંચો : શોકિંગઃ ‘જમ્મુની ધડકન’ તરીકે જાણીતી સિમરન સિંહે કરી આત્મહત્યા કરી
મળી રહેલી માહિતી અનુસાર ઈટારસીથી જબલપુર વચ્ચે દોડાવવામાં આવતી ઈટારસી એક્સપ્રેસના પૈડાંની નીચે છુપીને યુવક જબલપુર પહોંચી ગયો હતો. આ વાતનો ખુલાસો એ સમયે થયો જ્યારે ટ્રેનના એસ4 કોચની તપાસ વખતે રેલવે કર્મચારીએ પૈડાંની નીચે એક યુવકને છુપાતો જોયો. રેલવે કર્મચારીએ આ ઘટનાની જાણ રેલવે પોલીસને કરી અને ત્યાર બાદ આરપીએફે યુવકની ધરપકડ કરી હતી.
એવું કહેવાઈ રહ્યું છે કે યુવક પાસે ટ્રેનમાં મુસાફરી કરવાના પૈસા નહોતા એટલે તેણે આ રીતે ટ્રેનના પૈડાની નીચે છુપાઈને 250 કિલોમીટર સુધીની જીવલેણ મુસાફરી ખેડી હતી. રેલવે કર્મચારી જ્યારે ટ્રેનની તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમને પૈડાંની નીચે કંઈક હિલચાલ થઈ એવી જોવા મળ્યું હતું અને ત્યાર બાદ જ્યારે તેમણે જઈને જોયું તો આ યુવક પૈડાંની વચ્ચે છુપાઈ રહ્યો હતો.
આ પણ વાંચો : Christmas Gift: નેધરલેન્ડથી દાર્જિલિંગના ઝૂ માટે લાવવામાં આવ્યા 2 લાલ પાંડા
આ બાબતે રેલવેના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના સામે આવતાં જ આ બાબતની ગંભીરતાથી નોંધ લેવાઈ રહી છે. આ સિવાય સુરક્ષાના ઉપાયો મજબૂત બનાવવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ બાબતે રેલવે પોલીસ આગળની તપાસ કરીને કાર્યવાહી કરશે.