વાહ! 1994માં SBIના 500 રૂપિયાના શેર આજે બની ગયા લાખોના
શેરબજારમાં યોગ્ય કંપનીમાં કરવામાં આવેલું રોકાણ કેટલું માતબર વળતર આપે છે, એનો એક કિસ્સો તાજેતરમાં જાણવા મળ્યો છે. આ વાત ચંદીગઢના એક ડોક્ટરની છે. તેઓએ હાલમાં જ તેમના જુનાપુરાણા દસ્તાવેજો કંઇક કામ માટે બહાર કાઢ્યા, તો તેમાંથી તેમને 500 રૂપિયાનું એક શેર સર્ટિફિકેટ મળી આવ્યું. આ શેર સર્ટિફિકેટ એસબીઆઇ (સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા)નું હતું. જે તેમના દાદાની માલિકીનું હતું. 30 વર્ષ પહેલા તેના દાદાએ 500 રૂપિયાના SBIના શેર ખરીદ્યા હતા, તે રોકાણ હવે 750 ગણું વધી ગયું છે.
ડૉક્ટર મોતીવાલાએ જણાવ્યું હતું કે તેમના દાદાએ 1994માં 500 રૂપિયાના એસબીઆઇના શેર્સ ખરીદ્યા હતા અને ત્યાર બાદ તેઓ આ વાત ભૂલી પણ ગયા હતા. આટલા વર્ષો બાદ તેમના હાથમાં દાદાનું આ શેર સર્ટિફિકેટ આવ્યું અને તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે 500 રૂપિયાના શેર્સની કિંમત હવે 3.75 લાખ રૂપિયા થઇ ગઇ છે. મતલબ કે 30 વર્ષમાં તેમને 750 ગણું વળતર મળ્યું છે.
3.75 લાખ રૂપિયા ભલે કોઇ મોટી રકમ ના લાગે પણ 30 વર્ષમાં શએરમૂલ્યમાં 750 ગણો વધારો તો ખરેખર મોટો લાગે.
વેલ, આ સ્ટોરી વાંચીને તમે પણ આજથી જ શેરબજારમાં સમજી વિચારીને રોકાણ કરવાનું શરૂ કરી દો. તમને નહીં તો તમારા પરિવારને, તમારા પુત્ર પુત્રીઓને કે પ્રપૌત્રો, દોહિત્રોને જરૂરથી ફાયદો થશે.