NIA દ્વારા most wanted જાહેર કરાયેલા શખ્સની દક્ષિણ આફ્રિકામાં ધરપકડ, RSS નેતાની હત્યાનો આરોપી

મુંબઈ: કેન્દ્રીય તપાસ એજેન્સીઓને વિદેશની ધરતી પર મહત્વની સફળતા હાથ લાગી છે. એજન્સીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા રુદ્રેશની હત્યાના આરોપી મોહમ્મદ ગૌજ નિયાઝીની દક્ષિણ આફ્રિકામાં ધરપકડ કરી છે. મોહમ્મદ ગૌજ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા(PFI) સાથે જોડાયેલો છે, NIAએ તેને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો.
NIA એ મોહમ્મદ ગૌસ પર 5 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. મોહમ્મદ ગૌસ ભારતમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નો આગેવાન હતો. તેના પર 2016માં બેંગલુરુમાં RSS નેતા રુદ્રેશની હત્યા કરવાનો પણ આરોપ હતો. હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને અલગ-અલગ દેશોમાં રહેતો હતો.
સૌપ્રથમ ગુજરાત ATSએ દક્ષિણ આફ્રિકામાં તેના લોકેશનને ટ્રેક કર્યું હતું, ત્યાર બાદ આ અંગે કેન્દ્રીય એજન્સીને જાણ કરવામાં આવી હતી. હવે તેને દક્ષિણ આફ્રિકામાં પકડી પાડવામાં આવ્યો છે, ત્યાંથી તેને ભારત મોકલવામાં આવ્યો છે. હાલ તેને મુંબઈ લઈ જવામાં આવ્યો છે.
રુદ્રેશની હત્યાની તપાસ NIA કરી રહી છે. રુદ્રેશની RSSના એક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે બેંગલુરુના શિવાજી નગરમાં તેના પર ધારદાર હથિયારો વડે ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલામાં રૂદ્રેશનું મોત થયું હતું.
આ કેસમાં પોલીસે થોડા જ દિવસોમાં ચાર લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી મોટાભાગનાની ઉંમર ત્રીસ વર્ષની આસપાસ હતી. મુખ્ય આરોપી 40 વર્ષીય અઝીમ શરીફની પોલીસે નવેમ્બર 2016માં ધરપકડ કરી હતી.
કેસની તપાસ કર્યા પછી, NIAએ જણાવ્યું હતું કે, ” સમાજના એક વર્ગમાં ભય ફેલાવવાના ઈરાદાથી આ હત્યા કરવામાં આવી હતી અને સ્પષ્ટપણે આ એક આતંકવાદી કૃત્ય હતું. 16 ઓક્ટોબરના રોજ એક યુનિફોર્મધારી RSS સભ્ય પર ઘાતક હથિયારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.”