નેશનલ

મમતા કુલકર્ણી વિવાદે કિન્નર અખાડામાં ભંગાણ સર્જ્યુ; ‘ટીના મા’એ જુદો રસ્તો અપનાવી નવા અખાડાનું ગઠન કર્યું!

પ્રયાગરાજ: કિન્નર અખાડામાં ફરી એકવખત વિવાદ સામે આવ્યો છે. મમતા કુલકર્ણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કિન્નર અખાડાના બે ફાંટા પડી ગયા છે. કિન્નર અખાડાના પ્રદેશ અધ્યક્ષ સ્વામી કૌશલ્યા નંદગિરિ ઉર્ફે ટીના માએ કિન્નર અખાડો છોડવાની જાહેરાત કરી છે. વર્તમાન કિન્નર અખાડો એ જૂના અખાડા સાથે સબંધ ધરાવે છે ત્યારે હવે તેઓ આજે પ્રયાગરાજમાં સનાતની કિન્નર અખાડાનું ગઠન કરશે.

કિન્નર અખાડાના પ્રદેશ અધ્યક્ષ ટીના મા મંગળવારે પ્રયાગરાજમાં સનાતની કિન્નર અખાડાનું ગઠન કરશે. નવા કિન્નર અખાડાના ગઠનની સાથે કૌશલ્યાનંદ ગિરીજી ઉર્ફે ટીના મા આચાર્ય મહામંડલેશ્વર બનશે. નવા અખાડાના ગઠનની સાથે જ આચાર્ય મહામંડળેશ્વરના પદ પર પટ્ટાભિષેક કરવામાં આવશે.

સનાતની કિન્નર અખાડાના આગામી કાર્યક્રમમાં મુંબઈના જાણીતા સમાજ સેવક અને ફિલ્મ અભિનેત્રી શ્રીગૈરી સાંમત, દિલ્હીથી પ્રખ્યાત તંત્ર સાધિકા ભવાની મા અને ડૉલી મા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે અયોધ્યા, કાનપુર, પ્રતાપગઢ, કૌશામ્બી, મિર્ઝાપુર અને વારાણસી જેવા વિવિધ શહેરોના કિન્નરો એકઠા થશે. આ ખાસ મહેમાનો કિન્નર ગુરુઓ પાસેથી આશીર્વાદ મેળવશે, જે આ સમારંભનું મુખ્ય આકર્ષણ રહેશે અને અખાડાના સભ્યો વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણને મજબૂત બનાવશે.

કિન્નર અખાડાનો ઇતિહાસ અને જોડાણ
કિન્નર અખાડાનું ગઠન 13 ઓક્ટોબર 2015 ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત આશ્રમ અધ્યાત્મ વાટિકામાં કરવામાં આવ્યું હતું. આ અખાડો 2019 ના પ્રયાગરાજ કુંભ મેળા દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. એ જ વર્ષે કિન્નર અખાડાએ જૂના અખાડા સાથે સમજૂતી કરી હતી, અને વર્તમાનમાં પણ તે જૂના અખાડા સાથે જોડાયેલો છે. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી છે. જાન્યુઆરી 2025 માં યોજાયેલા મહાકુંભમાં પણ કિન્નર અખાડાએ જૂના અખાડા સાથે શાહી સ્નાન કરીને પોતાની ધાર્મિક અને સાંપ્રદાયિક હાજરી નોંધાવી હતી.

આપણ વાંચો:  પાકિસ્તાન-ચીનની જુગલબંદી માત્ર સંરક્ષણ નહીં, ગુપ્ત માહિતી અને રાજદ્વારી સમર્થન સુધી પહોંચી: પૂર્વ વિદેશ સચિવ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button