બજેટમાં વિપક્ષી રાજ્યોને અન્યાય, નીતિ આયોગની બેઠકમાં મમતા બેનરજી ભાગ લેશે

કોલકાતાઃ પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે તેઓ શનિવારે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે અને ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન પણ આ બેઠકમાં હાજર રહેશે. મમતાએ બજેટ મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા એમ પણ જણાવ્યું હતું કે પ. બંગાળ અને અન્ય વિપક્ષી રાજ્યોની અવગણના કરવામાં આવી છે.
આ પહેલા મમતા દીદીએ તેમની નવી દિલ્હીની મુલાકાત એક દિવસ માટે સ્થગિત રાખવાનો નિર્ણય લીધો હતો. અગાઉ મમતા બેનરજી 27 જુલાઇએ નીતિ આયોગની બેઠક માટે દિલ્હી જવાના હતા, પણ પછી તેમણે તેમના પ્લાનમાં ફેરબદલ કર્યો હતો.
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયન નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે નહીં. તેમણે કેરળના નાણાં પ્રધાન કેબી બાલાગોપાલને તેમના સ્થાને હાજર રહેવાની પરવાનગી પણ માંગી હતી. જોકે, તેઓ શા માટે નીતિ આયોગની બેઠકમાં હાજર રહી શકશે નહીં એની તેમણે સ્પષ્ટતા કરી નહોતી.
આ ઉપરાંત તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને પણ નીતિ આયોગની બેઠકમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે અને જણાવ્યું છે કે કેન્દ્રીય બજેટમાં તેમના રાજ્યની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે.