જી-20ની ડિનર પાર્ટીથી વિપક્ષી ગઠબંધનને ‘અપચો’ થયો

આમ જોઈએ તો જી-20 સમિટ અને વિપક્ષી ગઠબંધનને સીધી રીતે કંઈ લેવાદેવા નહીં પણ રાજકારણમાં કોઈપણ વાતે કોઈને વાંકુ પડી શકે અને એવું જ થયું છે.
ભારતની રાજધાની દિલ્હીમાં G-20 સમિટનું આયોજન થયું હતું. આ બે દિવસીય સમિટ 9 અને 10 સેપ્ટેમ્બરના આયોજિત થઇ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ G-20 સમિટના અવસર પર ડિનર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ડિનર પાર્ટીમાં વિદેશી મહેમાનોની સાથે દેશના તમામ મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનોને ડિનરનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આ ડિનરમાં બિહારના સીએમ નીતિશ કુમાર, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ઘણા વિપક્ષી નેતાઓએ હાજરી આપી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ડિનર સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે કોંગ્રેસ શાસિત રાજ્યોના ઘણા મુખ્ય પ્રધાનોએ ડિનરમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન કોંગ્રેસે હવે મમતા બેનર્જીના ડિનર સમારોહમાં હાજરી આપવા પર સવાલો ઉઠાવ્યા છે. ગઈકાલે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જીના ડિનર ફંક્શનમાં હાજરી આપવા પર સવાલ ઉઠાવ્યા હતા. પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મમતા બેનર્જીના ડિનર ફંક્શનમાં સામેલ થવાથી મમતા બેનર્જીની મોદી સરકાર વિરુ્દ્ધની સ્થિતિ નબળી પડશે.
અધીર રંજન ચૌધરીએ મમતા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, જો મમતા બેનર્જી આ ડિનર પાર્ટીમાં ન ગયા હોત તો કઈ આભ ન ફાટી પડ્યું ન હોત એટલે કે કોઈ નુકસાન ગયું ન હોત. તે જ સમયે, અધીર રંજન ચૌધરીએ આગળ સવાલ ઉઠાવ્યો હતો કે શું આ ડિનર સમારોહમાં હાજરી આપવા પાછળ મમતા બેનર્જીનો કોઈ અન્ય ઈરાદો હતો. વધારેમાં તેમણે સવાલો ઉઠવાતા કહ્યું કે, ઘણા બિન-ભાજપ મુખ્ય પ્રધાનોએ ડિનર ઇવેન્ટમાં હાજરી આપવાનું ટાળ્યું હતું પરંતુ મમતા બેનર્જી ઉતાવળમાં દિલ્હી પહોંચી ગયા હતા.
આ સવાલો પર પલટવાર કરતા TMC રાજ્યસભાના સાંસદ શાંતનુ સેને ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. તેમણે કોંગ્રેસના નેતા પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ચૌધરીએ તેમને વહીવટી દૃષ્ટિકોણથી અનુસરવા માટેના અમુક પ્રોટોકોલ અંગે ટિપ્પણીઓ ન કરવી જોઈએ. ચૌધરી નક્કી નહીં કરે કે રાજ્યના મુખ્યમંત્રી પ્રોટોકોલ મુજબ G20 ડિનરમાં ભાગ લેવા જશે કે નહીં.
આમ તો જોઈએ તો ખરગે પાસે કોઈ બંધારણીય હોદ્દો નથી, આથી તેમને ડિનરમાં ન બોલાવ્યા તે વાત રાજકીય દૃષ્ટિએ જોવામાં ન આવી હોત તો સારું રહેત. વળી, બેનરજી એક રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે કેન્દ્ર સરકારના અને ખાસ કરીને રાષ્ટ્રપતિના આમંત્રણનું માન રાખી જાય તે સમજી શકાય. જોકે ભઈ અગાઉ કહ્યું ને રાજકારણમાં ક્યારે કોને શું વાંકુ પડે તે કહી શકાય નહીં.