મમતાએ મોરબી દુર્ઘટનાને યાદ કરી મોદીને ટોણો માર્યો, બંગાળ એ ગુજરાત નથી

કોલકાતા: તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં અતિવૃષ્ટિ અને ભૂસ્ખલનની સમસ્યાથી જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે, ત્યારે આ મામલે રાજકારણમાં આરોપ-પ્રત્યારોપની પણ શરૂઆત થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મિરિકમાં તાજેતરમાં પુલ તૂટી પડવાના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીઓ પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે વડાપ્રધાન પર નિશાન સાધતા સ્પષ્ટ કહ્યું કે, “બંગાળ ગુજરાત નથી”, અને ૨૦૨૨ના મોરબી પુલ દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ૧૩૦ થી વધુ લોકો માર્યા ગયા હતા.
કેન્દ્ર પર ભેદભાવના આક્ષેપો
મમતા બેનર્જીએ ઉત્તર બંગાળમાં આવેલા ગંભીર પૂર અને ભૂસ્ખલનને કારણે ૩૨ લોકોના મૃત્યુ અને હજારો લોકો ફસાયા હોવાનું હાઇલાઇટ કર્યું હતું. તેમણે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, “તમે પૂર રાહત માટે બંગાળને ભંડોળ આપતા નથી. ભાજપ મોટા દાવા કેવી રીતે કરે છે?” તેમણે સ્પષ્ટ કર્યું કે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે મૃત્યુ થયા છે, પણ તેઓ તેના વિષે વાત નહિ કારણ કે તેઓ કુદરતી આફતો પર રાજકારણ કરવામાં માનતા નથી.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે કેન્દ્ર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ અમુક સ્થળોએ પૂર રાહત આપે છે, પરંતુ પૂર માટે તેમની પાસે ભંડોળ નથી. આ સાથે તેમણે બાગડોગરાથી કોલકાતાના હવાઈ ભાડામાં થયેલા જંગી વધારાની આલોચના કરતા કહ્યું કે, “તમે બાગડોગરા-કોલકાતાનું વિમાનભાડું રૂ. ૧૮,૦૦૦ કરી દીધું છે; દિલ્હી થઈને ફ્લાઇટ ટિકિટનો ખર્ચ હવે રૂ. ૪૦,૦૦૦ છે. આ એક ભયાનક સરકારનું ભયાનક આચરણ છે.”
પુલની સ્થિતિ અને રાહત કાર્યો:
મિરિકના પુલના મામલે મમતા બેનર્જીએ કહ્યું કે તે ૧૦૦ થી ૧૫૦ વર્ષ જૂનો પુલ હતો અને નવા પુલનું બાંધકામ પહેલેથી જ શરૂ થઈ ગયું છે, જે આગામી ચોમાસા પહેલા ખુલ્લો મુકાશે. હાલમાં, ૧૫ દિવસમાં કામચલાઉ પુલ બનાવવામાં આવી રહ્યો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે, જેમાં ૪૦૦ પેકેટ મિરિક અને અન્ય કિટ્સ નાગરાકાટા, સિલિગુડી, મેનાગુરી અને અલીપુરદ્વાર મોકલાઈ છે. ૨૧ વિસ્થાપિત પરિવારોને મળીને ૫૦૦ રાહત કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. લગભગ ૧,૦૦૦ ફસાયેલા પ્રવાસીઓને ૪૫ બસો દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
રાજકીય હુમલાની નિંદા
મમતા બેનર્જીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ભાજપના નેતાઓ ખાગેન મુર્મુ અને શંકર ઘોષ પર થયેલા હુમલાની નોંધ લીધી હતી અને મુર્મુના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે ત્રિપુરામાં ટીએમસી કાર્યાલય પર થયેલા હુમલાની પણ નિંદા કરી હતી. આ સાથે તેમણે જાહેરાત કરતાં કહ્યું હતું કે પુનર્વસનનું કાર્ય પ્રગતિમાં છે અને તેઓ આવતા અઠવાડિયે રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ફરીથી મુલાકાત લેશે અને મૃતકોને વચન આપેલી નોકરીની વ્યવસ્થા ૧૫ દિવસમાં કરવામાં આવશે.
આ પણ વાંચો…ભારતે નેપાળ બોર્ડર પર સુરક્ષા વધારી, મમતા બેનર્જીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી