નેશનલ

રાષ્ટ્રગીતના અપમાનના કેસમાં મમતા દીદીને રાહત

મુંબઇઃ મઝગાંવના એક મેજિસ્ટ્રેટે સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી વિરુદ્ધ રાષ્ટ્રગીતના અપમાનના આરોપમાં દાખલ કરેલી ફરિયાદને ફગાવી દીધી હતી. કોર્ટે આ મામલામાં કોઈ ગુનો આચરવામાં આવ્યો નથી તેવું અવલોકન કરીને મમતાને રાહત આપી છે. મઝગાંવ મેજિસ્ટ્રેટ એસ. બી. કાલે મોકાશીએ સોમવારે આ મામલે નિર્ણય આપતાં ભાજપના કાર્યકર્તા વિવેકાનંદ ગુપ્તા દ્વારા મમતા વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદને ફગાવી દીધી હતી.

ઘટના મુજબ મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ડિસેમ્બર 2021માં મુંબઈની મુલાકાત લીધી હતી. ત્યારે નરીમાન પોઈન્ટ ખાતેના યશવંતરાવ ચવ્હાણ હોલમાં યોજાયેલ કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું. જ્યારે રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે મમતા સીટ પર જ બેઠા રહ્યા હતા.


ભાજપના સ્થાનિક પદાધિકારી વિવેકાનંદ ગુપ્તાએ મમતા વિરુદ્ધ મઝગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનું વર્તન રાષ્ટ્રગીતનો અનાદર કરતું હતું. તેમણે મમતા વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગ કરી હતી. આ ફરિયાદની નોંધ લેતા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે શરૂઆતમાં મમતાને સમન્સ જારી કર્યા હતા. આ સમન્સ સામે મમતા બેનરજીએ વિશેષ અદાલતનો સંપર્ક કર્યો હતો. વિશેષ અદાલતે શિવડી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા અને મમતા વિરુદ્ધ સમન્સ જારી કરવાના આદેશને રદ કર્યો હતો. સાથે જ બેનરજી સામેની ફરિયાદ પર નવેસરથી વિચાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ સામે મમતાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે મમતાની અરજીને ફગાવી દીધી હતી કે તેઓ આ નિર્ણયમાં દખલ નહીં કરે. ત્યાર બાદ મેજિસ્ટ્રેટે કફ પરેડ પોલીસને આ અંગેની ફરિયાદની નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જેના અનુસંધાનમાં પોલીસે આ મામલે તપાસનો રિપોર્ટ સોંપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button