I.N.D.I.A. Alliance: ગઠબંધનમાં તિરાડ? કોંગ્રેસ સાંસદે કહ્યું, ‘મમતા મોદીજીની સેવામાં લાગેલા છે…’
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી જાહેર થયા પહેલા I.N.D.I.A. ગઠબંધનના પક્ષોમાં મતભેદો ખુલીને સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં સીટોની વહેંચણી બાબતે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલો વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ ટીએમસીએ બે સીટો ઓફર કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ બાબતે TMC અને મમત બેનર્જી પર ગંભીર આક્ષેપો કર્યા હતાં.
અધીર રંજન ચૌધરીએ કહ્યું, “કોણ તેમની પાસે ભીખ માંગવા ગયું છે, અમને ખબર નથી કે અમારી પાસે બે બેઠકો છે. કોણ મમતાજી પાસે બેઠકો માંગી રહ્યું છે. અમે સ્વબળે ચૂંટણી લડી શકીએ છીએ. મમતાજી નરેન્દ્ર મોદીજીની સેવામાં રોકાયેલા છે. કોંગ્રેસને મમતાની દયાની જરૂર નથી.”
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ I.N.D.I.A ગઠબંધન અંગે મહત્વની વાત કહી હતી. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને આવતા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે જોડાણ કરવામાં રસ નથી.
30 ડિસેમ્બર, 2023 ના રોજ મુર્શિદાબાદ જિલ્લામાં મીડિયા સાથે વાત કરતા ચૌધરીએ કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન પોતે પશ્ચિમ બંગાળમાં ગઠબંધન ઇચ્છતા નથી. તેમણે પોતે જ ગઠબંધનની શક્યતાને નષ્ટ કરી દીધી છે.