“૨૦૨૬માં મમતા મુખ્યમંત્રી નહિ બની શકે, પૂર્વ મુખ્યમંત્રી બનશે” TMCના ધારાસભ્યનો દાવો

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ઘમાસાણ મચેલું છે અને જ્યાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયૂં કબીરે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને સીધો પડકાર ફેંક્યો છે. બાબરી મસ્જિદ જેવી જ એક મસ્જિદનું નિર્માણ કરવાની જાહેરાત બાદ TMCએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં કબીરે દાવો કર્યો હતો કે, “2026માં મુખ્યમંત્રી ફરી મુખ્યમંત્રી નહીં રહે. તેઓ શપથ નહીં લે અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કહેવાશે.”
TMCના ધારાસભ્ય હુમાયૂં કબીર, જે અગાઉ કોંગ્રેસ, TMC અને ભાજપમાં પણ રહી ચૂક્યા છે, તેમણે 6 ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં બાબરી મસ્જિદ જેવી મસ્જિદનો શિલાન્યાસ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ જ તેમને સત્તાધારી પક્ષ TMC દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્શનને તેમણે અપમાન ગણાવ્યું હતું અને તેમની સામે ષડયંત્ર રચાયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો દેશમાં એસઆઇઆર સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા અડધાથી વધુ લોકો હિન્દુ હોવાનો મમતાનો દાવો
હવે તેઓ 22 ડિસેમ્બરના રોજ નવી પાર્ટીની જાહેરાત કરવા માટે તૈયાર હોવાનું જણાય છે. કબીરે દાવો કર્યો છે કે તેમનું નવું સંગઠન આગામી 2026ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 294 બેઠકોમાંથી 135 બેઠકો પર ઉમેદવારો ઊભા કરશે, જે TMC માટે મોટો પડકાર બની શકે છે. જોકે, કબીરની આ જાહેરાતો અને નિર્ણયોથી મુખ્યમંત્રી મમતા બેનર્જી નારાજ હોવાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જી અને તેમની પાર્ટી કબીરના આ બાબરી જેવી મસ્જિદના નિર્ણય સાથે સહમત નથી અને આ સંદેશ તેમને પહોંચાડવામાં આવ્યો છે.
હુમાયૂં કબીરનો આ પગલું પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ વોટબેંક અને રાજકીય સમીકરણો પર અસર કરી શકે છે. એક તરફ, મમતા બેનર્જી તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ કબીરનું પોતાની નવી પાર્ટી બનાવવાની તૈયારી અને મમતા બેનર્જીને ‘ભૂતપૂર્વ મુખ્યમંત્રી’ બનાવવાનો દાવો રાજ્યના રાજકારણમાં ભારે ઉત્તેજના પેદા કરી રહ્યો છે. 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા કબીરનો આ બળવો TMC માટે આંતરિક પડકાર અને વિપક્ષ માટે એક નવો મુદ્દો બની શકે છે.



