પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ નીતિ આયોગને લખ્યો પત્ર, કરી આ માંગ…

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના નકશા મુદ્દે નીતિ આયોગને પત્ર લખ્યો છે. તેમજ નીતિ આયોગને ભૂલ સુધારીને માફી માંગવા પણ જણાવ્યું છે. જેમાં મમતા બેનર્જીએ નીતિ આયોગના ઉપાધ્યક્ષને પત્ર લખીને એક સત્તાવાર અહેવાલમાં પશ્ચિમ બંગાળ રાજ્યને બિહારના સ્થાને દર્શાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ભૂલ સુધારી માફીની માંગ કરી હતી.
નીતિ આયોગની ગંભીર ભૂલ
મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં પત્રની નકલ અને ભારતના નકશાનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. આ નકશો રિપોર્ટના પહેલા પાના પર છે, જેમાં બિહારના સ્થાને પશ્ચિમ બંગાળને દર્શાવવામાં આવ્યું છે. તેમણે લખ્યું હતું કે, હું અત્યંત ચિંતા અને સ્પષ્ટ અસ્વીકાર સાથે લખી રહી છું કે નીતિ આયોગ દ્વારા પ્રકાશિત અને તેની વેબસાઇટ પર ઉપલબ્ધ ‘પશ્ચિમ બંગાળ રાજ્ય માટે સારાંશ અહેવાલ’ નકશામાં આ રાજ્યનો વિસ્તાર બિહારના સ્થાને દર્શાવ્યો છે. આ ભૂલને નીતિ આયોગની ગંભીર ભૂલ ગણાવતા મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે નીતિ આયોગના સત્તાવાર પ્રકાશનમાં આટલી મોટી ભૂલ રાજ્યો પ્રત્યે આદરનો અભાવ દર્શાવે છે.
નાગરિકો સચોટ માહિતી માટે આધાર રાખે છે
તેમણે કહ્યું કે આનાથી સંસ્થાના કાર્યની વિશ્વસનીયતા અંગે વાજબી ચિંતાઓ ઉભી થાય છે જેના પર નીતિ નિર્માતાઓ અને નાગરિકો સચોટ માહિતી માટે આધાર રાખે છે અને નીતિ આયોગના અહેવાલો અને પ્રકાશનોની ગુણવત્તા, પ્રામાણિકતા અને વિશ્વસનીયતા પર ગંભીર શંકાઓ ઉભી થાય છે.
ટીએમસી સાંસદે કેન્દ્ર પર નિશાન સાધ્યું
પહેલા દિવસે, તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય સાકેત ગોખલેએ ‘X’ પર સવાલ ઉઠાવ્યો હતો કે બિહારના સ્થાન પર પશ્ચિમ બંગાળ તરીકે કેવી રીતે દર્શાવવામાં આવ્યું હતું. ગોખલેએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, દુઃખદ છે કે ભારત સરકાર પશ્ચિમ બંગાળને નકશા પર પણ બતાવી શકતી નથી. બંગાળમાંથી 12 ભાજપના સાંસદો છે.જેમાં 2 કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. તેમની સરકાર બિહારના સ્થાન પર નકશામાં બંગાળ દર્શાવે છે.